Surat:6 વર્ષના બાળકનો પગ લિફ્ટના ડક્ટમાં ફસાતા લોકોના જીવ અધ્ધર: ફાયર વિભાગે બચાવ્યો જીવ
સુરતના કતારગામ વિસ્તારમાં કતારગામમાં લિફ્ટના ડક્ટમાં એક છ વર્ષના બાળકનો પગ ફસાઈ જતાં અફરાતફરી મચી જવા પામી હતી. બાળક ગ્રાઉન્ડ ફ્લોર પર રમી રહ્યો હતો તે વખતે આ દુર્ઘટના સર્જાય હતી. ત્યારે બાળકનો પગ બહાર કાઢવા માટે ભેગા થઈ ગયેલા સ્થાનિકોએ તેને બહાર કાઢવા કોશિશ કરી હતી.ત્યાર બાદ સ્થળ પર પહોંચેલા ફાયર વિભાગના જવાનોએ રેસ્ક્યુ કરી બાળકનો પગ બહાર કાઢ્યો હતો.જો કે પગ ફસાવવાને કારણે બાળકને ઈજા થઈ હોય તેને સારવાર અર્થે લઈ જવામા આવ્યો હતો જ્યાં તેના પગમાં સાત ટાંકા આવ્યા છે.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ અયોધ્યા નગર સોસાયટીમાં રહેતા નવીનભાઈ લલ્લનનો છ વર્ષનો બાળક પ્રિયાશું ગ્રાઉન્ડ ફ્લોર પર રમી રહ્યો હતો.ત્યારે બપોરના બાર વાગ્યાના અરસામાં પ્રિયાશું ઘરે જવા માટે લીફ્ટમાં પ્રવેશ કરી રહ્યો હતો તે સમયે તેનો પગ લિફ્ટ અને દીવાલ વચ્ચેની જગ્યામાં ફસાઈ ગયો હતો જેને લઇ બાળકે બુમા બમ કરતા સોસાયટીના રહીશો સહિત બાળકના માતા પિતા દોડી આવ્યા હતા અને બાળકને બહાર કાઢવા ભારે મથામણ કરી હતી . જો કે તે સફળ ન થતાં ફાયર બ્રિગેડ જાણ કરવામાં આવી હતી.
ઘટના અંગે નો કોલ મળતા ફાયર વિભાગના જવાનો ગણતરીની મિનીટમાં સ્થળ પર પહોંચી ગયા હતા.અને કોમ્બિટુલની મદદથી લિફ્ટ અને ડક્ટની વચ્ચે જગ્યા કરી બાળકનો પગ બહાર કાઢી બચાવ્યો હતો.જેને પગલે હજાર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો તો બીજી તરફ ઘટનામાં બાળકના પગ પર ઈજા થતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને સાત જેટલા ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.