શહેરને પ્રદુષણમુક્ત રાખવા માટે કરોડો રૂપિયા ખર્ચીને ખરીદવામાં આવેલ 51 સાઇકલો બની ભંગાર
પ્રદુષણમુક્ત (Pollution Free) શહેર બનાવવાની સાથે સાથે શહેરીજનોને સાયકલના (Cycle) ઉપયોગ તરફ વાળવાના હેતુથી મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે શહેરમાં સાયકલ શેરીંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. તેના સંચાલન અને જાળવણી માટે 8.91 કરોડ રૂપિયામાં ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ ડોકિંગ સ્ટેશન અને સાયકલની હાલતને લઈને હવે વિપક્ષે ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે અને પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. .
વિપક્ષી આમ આદમી પાર્ટીના કાઉન્સિલર મહેશ અનઘને જણાવ્યું કે, શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સાયકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. વોલ સિટીમાં શરૂ કરાયેલા આ પ્રોજેક્ટની પ્રાપ્તિ, સ્થાપન, સંચાલન અને જાળવણી માટે રૂ. 9,33,08,193 ખર્ચવામાં આવ્યા છે. પ્રોજેક્ટ હેઠળ 120 ડોકિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, એજન્સીને સાયકલ ખરીદવા, ડોકિંગ સ્ટેશનનું નિર્માણ, સાયકલની જાળવણી અને પ્રોજેક્ટની કામગીરી માટે પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને આ માટે રૂ. 8.91 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આટલી મોટી રકમ ખર્ચ્યા પછી પણ ડોકીંગ સ્ટેશનો અને સાયકલોની હાલત જોતા એજન્સીની કામગીરી સામે સવાલ ઉઠવા વ્યાજબી છે. મહેશ અણઘને જણાવ્યું કે કુલ 1267 સાઈકલના સંચાલન અને જાળવણી માટે એજન્સી જવાબદાર હોવા છતાં, ઘણી જગ્યાએ સાઈકલ તૂટેલી જોવા મળે છે અને ડોકિંગ સ્ટેશનની હાલત પણ ખરાબ જોવા મળે છે. એટલું જ નહીં, 70 હજાર પ્રતિ નંગના ભાવે ખરીદાયેલી સાયકલ પૈકી 51 સાયકલ જંક બની ગઈ છે અને આ સાયકલોની જગ્યાએ એજન્સી દ્વારા નવી સાયકલ ખરીદવામાં આવી નથી.