સુરતના અલથાણ કેશવ હાઇટ્સના પાંચ મકાનોમાં લાગેલી આગમાં ઘર સંપુર્ણ બળીને ખાખ,35 લોકોને રેસ્કયુ કરાયા
સુરતમાં અલથાણ વિસ્તારમાં આવેલ રામેશ્વરમ કેશવ હાઇટ્સમાં ગતમોડી રાત્રે એક બંધ ફ્લેટમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.એક ફ્લેટમાં લાગેલી આગને કારણે જોત જોતામાં અન્ય ચાર ફ્લેટ આગની ઝપેટમાં આવી ગયા હતા.ફ્લેટ ધારકો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફાયર સેફટીના સાધનો બંધ હોય આગ પર કાબુ મેળવી શક્યા ન હતા અને આગ વિકરાળ બની ગઈ હતી.ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા 11 જેટલી ફાયરની ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી 35 થી વધુ લોકોને રેસક્યુ કર્યા હતા. તો બીજી તરફ બંધ ફ્લેટમાં લાગેલી આગ બાદ સોસાયટીના રહીશો માં બિલ્ડર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.
પાંચ ફ્લેટ આગની ઝપેટમાં આવ્યા,35 જેટલા લોકોને રિસ્ક્યું કરાયા
સુરતના અલથાણ કેનાલ રોડ પર આવેલ એટલાન્ટા મોલની પાછળ આવેલ રામેશ્વરમ કેશવ હાઈટ્સમા ગત રાત્રે આગ ભભૂકી હતી. કેશવ હાઈટ્સના બી બિલ્ડિંગના ફ્લેટ નંબર 202 માં અચાનક આગ લાગી હતી. ત્યારબાદ આગ ફ્લેટ નંબર 201, 203, 204, 302 આમ પાંચ ફ્લેટ પ્રસરી ગઈ હતી. ઘટનાને પગલે સોસાયટીના તમામ લોકો ભેગા થઈ ગયા હતા. અને ભયનો માહોલ છવાઇ ગયો હતો. ઘટના અંગે ફાયર વિભાગ ને જાણ કરી દેવામાં આવી હતી જોકે ફાયર વિભાગ સ્થળ પર પહોંચે તે પહેલા સ્થાનિકો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ આગ કાબુમાં આવી ન હતી.
આગની ઝપેટમાં બીજો માળ સંપૂર્ણ પણે બળીને ખાખ
ફાયર વિભાગના જણાવ્યા મુજબ રાત્રિના 10.18 કલાકે આગનો કોલ મળતા ફાયર વિભાગની ટીમ રવાના થઈ હતી. આગ મોટી હોય વેસુ, મજુરાગેટ ,અડાજણ ,માન દરવાજા,અને નવસારી બજારની કુલ 11 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આશરે ત્રણ કલાકની ભારે જેમ જ બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો અને ત્યારબાદ 35 જેટલા લોકોને રેસ્ક્યું કરીને બહાર લવાયા હતા.આગને કારણે બી બિલ્ડિંગનો બીજો માળ સંપૂર્ણ પણે બળીને ખાક થઇ જવા પામ્યો હતો. જો કેસદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીનો બનાવ નોંધાયો નથી.પરંતુ ફ્લેટ ધારકોના સરસામાન બળીને ખાક થઇ જતાં લાખોનું નુકશાન થયું હોવાની શક્યતા છે.
આગ લાગી ત્યારે બંધ મકાનમાં ડોગ હતો,
સોસાયટીના કાર્યકારી પ્રમુખ ભરતભાઈના જણાવ્યા મુજબ રામેશ્વરમ હાઇટ્સના બી બિલ્ડિંગમાં ફ્લેટ નંબર 202મા રહેતા સંજયભાઈ કેવડિયા તેમના પત્ની સાથે જેતપુર ખાતે લગ્ન પ્રસંગે ગયા હોય ઘરમાં તેમનો પુત્ર અને ડોગ હતા ત્યારે રાત્રિના સમયે ફ્લેટ બંધ કરીને પુત્ર બહાર ગયો હતો અને ડોગ ઘરની અંદર હતો તે દરમિયાન અચાનક કોઈ કારણોસર બંધ ફ્લેટમાં આગ લાગી ગઈ હતી. ત્યારે આગના ધુમાડા બાજુના ફ્લેટમાં પ્રસરતા આગ લાગી હોવાની જાણ થતા પડોશીઓએ રેસ્ક્યુ કરી ડોગને ફ્લેટમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ આગ વકરીને અન્ય ઘરોને પણ ઝપેટમાં લઇ લેતા સોસાયટીના અન્ય રહેશો દ્વારા થોડાક લોકોને ટેરેસ પર મોકલી દેવામાં આવ્યા હતા તો અમુકને ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ જવામાં આવ્યા હતા. વિભાગ દ્વારા સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવી લીધા બાદ 35 જેટલા લોકોનું રેસ્કયું કરીને તમામ ને સલામત નીચે લાવવામાં આવ્યા હતા.
ફાયર સેફ્ટની અસુવિધા અને પાણીની અછતને કારણે સ્થાનિકોમાં બિલ્ડર સામે આક્રોશ
આગની ઘટના બાદ સોસાયટીના રહીશો માં બિલ્ડર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.કારણે એક તરફ જ્યાં તમામ હાયરાઇઝ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીના સાધનો ફરજિયાત કરવામાં આવ્યા છે.ત્યાં સોમીબા ગ્રુપના આ પ્રોજેક્ટ રામેશ્વરમ કેશવ હાઈટ્સમા બિલ્ડર દ્વારા સુવિધાના નામે ફક્ત દેખાડો કરવામાં આવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આગ લાગી તે સમયે ફ્લેટમાં લગાવવામાં આવેલ ફાયર સેફટી ના સાધનોથી તેઓએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સાધનો બંધ હતા જેથી તેઓ આગ પર કાબુ મેળવી શક્યા ન હતા. આ ફ્લેટમાં સુવિધા ના નામે શૂન્ય છે. એટલું જ નહીં પરંતુ પાણીની 50000 લિટરની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં 10000 લીટરનું પાણીનું ટેન્કર આવે છે. ત્યારે આ આગની ઘટના બાદ પ્રમુખે જણાવ્યું હતું કે બિલ્ડરોએ પોતાના ફોન સ્વીચ ઓફ કરી નાખ્યા છે. પરંતુ હવે લાખોની કિંમતના ફ્લેટ ખરીદી જીવના જોખમે અહીં રહેતા રહીશો દ્વારા સુવિધા અને નુકસાનીના વળતરની માંગ બિલ્ડર સામે ઉઠવા પામી છે.