ફાયનાન્સવાળા ગાડી ન ખેંચી જાય તે માટે યુવકનું કારસ્તાન : ડુપ્લીકેટ નંબર પ્લેટ સાથે કાર ચાલકને ઝડપી પાડ્યો
સુરત કામરેજ (Kamrej) રોડ ખોલવડ ગામ ખાતે રહેતા યુવકે લોનના હપ્તાની ભરપાઈ કરી ન હતી. જોકે ખાનગી ફાયનાન્સવાળા ગાડી પરત ન ખેંચી જાય તે માટે તેના મિત્ર પાસેથી અન્ય ફોર વ્હીલ ગાડીની સરકાર માન્ય નંબર પ્લેટ બનાવડાવી પોતાની ગાડીમાં ફીટ કરી ફરતો હતો. જોકે પોલીસ દ્વારા સીટ બેલ્ડનો ઈ-ચલણ મેમો અસલ નંબર પ્લેટના કાર માલીકના ઘરે પહોચતા દોડતા થયેલા કાર ચાલકે કરેલી અરજીની તપાસમાં યુવકનું ભોપાળુ બહાર આવતા પોલીસ યુવકની સામે બોગસ દસ્તાવેજ મામલે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
બનાવની વિગત એવી છે કે કલ્પેશ મનુભાઈ ભાયાણી નામના યુવક દ્વારા એક અરજી આપવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેમની પાસે ટાટા કંપનીની બ્રાઉન કલરની મોડલ નંબર ટીગોર એક્સઝેટ પ્લસ ફોરવ્હીલ ગાડી છે અને તેમની ગાડીનો ગત તા ૨ ઓક્ટોબરના રોજ ઈ-ચલણ મેમોનો મેસેજ આવ્યો હતો. જે મેસેજની લીંક તેઓએ ઓપન કરતા કાપોદ્રા હિરાબાગ સર્કલ પાસેથી સીટ બેલ્ટ પહેર્યો ન હતો. જેથી મેમો આવ્યો હતો. જોકે કલ્પેશભાઈ મેમોના ફોટોગ્રાફ જોતા ચોકી ઉઠ્યા હતા. કારણ કે ગાડીનો નંબર તેમની ગાડીનો હતો પરંતુ ગાડી અન્ય વ્યકિતની સફેદ કલર હતી, જેથી તેઓએ આ મામલે પોલીસમાં અરજી કરી હતી.
જે અરજીના આધારે અમરોલી પોલીસના સ્ટાફના માણસો ગતરોજ ગાડીની વોચમાં હતા તે દરમ્યાન વેણીનાથ ગરનાળા પાસેથી આજ નંબર પ્લેટ ધરાવતી ટીગોર ગાડી આવતા પોલીસે તેને સાઈટમાં કરી પુછપરછ કરતા ગાડી ચાલકે પોતાનું નામ ધર્મેશ છગન હરખાણી (ઉ.વ.૩૭.રહે, સ્ટાર મનોરથ રેસીડન્સી ખોડવડ ગામ લસકાણ ) હોવાનું આપ્યું હતું અને ગાડી સન ૨૦૧૯માં તેના મિત્ર જેનીમ રૂદાણીની પત્ની સોનલેબન (રહે, અોમટાઉનશીપ પાસોદરા) પાસેથી ખરીદી હતી. અને તેનો રજીસ્ટર નંબર જીજે-૦૫-આરજી-૨૩૩૮ હતો. ધર્મેશ ગાડી ઉપર મહિન્દ્રા ફાયનાન્સ કંપનીમાંથી લોન કરાવી હતી. જેનો માલીક હપ્તો ૧૪,૦૦૦ હતો.
જોકે તેઓ છેલ્લા દોઢ બે વર્ષથી હપ્તો ભરતા ન હતા. જેથી ફાયનાન્સ વાળી ગાડી પકડી જવાની બીક હોવાથી ટુર એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા તેના મિત્ર ધર્મેશ ફીંડોલીયાને ડુપ્લીકેટ નંબર પ્લેટ બનાવી આપવા વાત કરતા તેઅોએ કોઈ ગાડીના માલીકનો આધાર કાર્ડ અને આરસીબુકની નકલ આપવા કહેતા ધર્મેશએ તેના બનેવી મુકેશ મારફતે આધારકાર્ડ અને આરટીબુસની નકલ માંગી હતી. જે ડોક્યુમેન્ટ કલ્પેશના હોવાનુ બહાર આવ્યું હતુ. ત્યારબાદ ધર્મેશ ફિંડોલીયાએ સરકાર માન્ય નંબર પ્લેટ બનાવી ધર્મેશને આપી હતી. જેના બદલામાં તેઅોએ રૂપિયા ૧૫૦૦ લીધા હતા. ધર્મેશ હરખાણી ત્યારબાદ ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી ફરતો હતો. પોલીસે ધર્મેશ હરખાણીની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે.