લદ્દાખમાં બનશે વર્લ્ડનું સૌથી ઊંચું કોમ્બેટ એરબેઝ : રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે કરશે શિલાન્યાસ
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) લદ્દાખના ન્યોમામાં વિશ્વનું સૌથી ઉંચુ કોમ્બેટ એરબેઝ(Airbase) બનાવવા જઈ રહ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુના દેવક બ્રિજથી આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સતત તણાવ ચાલી રહ્યો છે. માનવામાં આવે છે કે આ ફાઈટર એરપોર્ટના નિર્માણથી ભારત ચીનને ટક્કર આપશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BRO ચીફ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચૌધરીએ કહ્યું હતું કે ભારત આગામી બે-ત્રણ વર્ષમાં ચીનને પાછળ છોડી દેશે. તેમણે કહ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં સરકાર એલએસીના 3488 કિમી વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ઝડપથી કામ કરી રહી છે.
11 હજાર કરોડના 295 પ્રોજેક્ટ પૂરા થયા
લેફ્ટનન્ટ જનરલે કહ્યું હતું કે માત્ર બેથી ત્રણ વર્ષમાં 11 હજાર કરોડ રૂપિયાના 295 પ્રોજેક્ટ પૂરા થયા છે. મોદી સરકારની અગાઉની સરકારો સાથે સરખામણી કરતા BRO ચીફે કહ્યું કે ચીને ભારત પહેલા LAC સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે એક દાયકા પહેલા આ વિસ્તારમાં વિકાસ અંગે અમારી વિચારસરણી થોડી સંરક્ષણાત્મક હતી.
મોદી સરકારે જૂની નીતિ બદલી
રાજીવ ચૌધરીએ કહ્યું કે મોદી સરકારે જૂની નીતિ બદલી છે અને LAC પર કામને વેગ આપવા માટે અમને સમર્થન આપી રહી છે. ચૌધરીએ જણાવ્યું કે 2008માં અમારું બજેટ અંદાજે ત્રણ હજાર કરોડ રૂપિયા હતું. જ્યારે 2017માં તે વધીને અંદાજે 6000 કરોડ રૂપિયા થઈ ગયો. આ પછી 2019માં આ બજેટ વધીને 8000 કરોડ રૂપિયા થઈ ગયું. ગયા વર્ષે અંદાજે રૂ. 12,340 કરોડનો ખર્ચ થયો હતો.