બધા ચોરોની અટક “મોદી” કેમ છે ? રાહુલ ગાંધીના નિવેદન પર આજે સુરત કોર્ટ સંભળાવશે ફેંસલો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) આજે ગુજરાતની(Gujarat) સુરત સેશન કોર્ટની કોર્ટમાં હાજર થશે. તેમણે મોદી સરનેમને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના માટે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે આજે સુરતની કોર્ટ પોતાનો ચુકાદો આપી શકે છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા, AICCના ગુજરાત એકમના પ્રભારી રઘુ શર્મા અને કોંગ્રેસના ગુજરાત એકમના ઘણા વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધીના સુરત પ્રવાસ માટે તૈયારી કરી રહ્યા છે.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે રાહુલ ગાંધી ગુરુવારે સવારે સુરત પહોંચશે. એરપોર્ટથી તે સીધો કોર્ટ પરિસર પહોંચશે, જ્યાં સવારે 11 વાગ્યે કોર્ટની કાર્યવાહી શરૂ થશે.
ચૂંટણી રેલી દરમિયાન ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ મોદીની અટકને લઈને રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. રાહુલ ગાંધી આ પહેલા ત્રણ વખત સુરત કોર્ટમાં હાજર રહી ચૂક્યા છે. જોકે, રાહુલ ગાંધીએ કોર્ટની અંદર પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ તેમના પર લાગેલા આરોપોને નકારે છે. રાહુલે કહ્યું હતું કે તેમણે ચૂંટણી રેલીમાં આવું કહ્યું હતું, તેમને યાદ નથી.
રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણી સભામાં નિવેદન આપ્યું હતું
જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકમાં ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલ ગાંધીની સાથે કોર્ટે કર્ણાટકના કોલારના તત્કાલિન રિટર્નિંગ ઓફિસર અને ભાષણ રેકોર્ડ કરનાર ચૂંટણી પંચના વીડિયો રેકોર્ડર એવા બે વધુ સાક્ષીઓના નિવેદનો નોંધ્યા છે. જે બાદ રાહુલ ગાંધીની પણ પૂછપરછ કરવામાં આવી હતી.