હાઈડ્રોલિક વિભાગ દ્વારા કવિ કલાપી તળાવના પાણીના સેમ્પલ તપાસાર્થે મોકલાયા
શહેરના અડાજણ ખાતે આવેલ મહાનગર પાલિકા સંચાલિત કવિ કલાપી લેક ગાર્ડનમાં ગત રોજ સેંકડોની સંખ્યામાં માછલીઓના મોત થતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારના નાગરિકોમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. રાંદેર ઝોન દ્વારા તળાવમાં મૃત માછલીઓને બહાર કાઢીને તળાવની સાફ – સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે, માછલીઓના મરવા પાછળનું કારણ હજી સુધી અકબંધ રહ્યું છે અને તંત્ર દ્વારા આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અડાજણ વિસ્તારના નાગરિકોના આનંદ – પ્રમોદ માટે સુરત મહાનગર પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અડાજણ ગામમાં ખાતે કવિ કલાપી લેક ગાર્ડન સાકાર કરવામાં આવ્યું છે. જેમાં હજ્જારોની સંખ્યામાં માછલીઓના ટપોટપ મોત નિપજ્યાં હોવાના સમાચાર સમગ્ર વિસ્તારમાં વાયુવેગે પ્રસરી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ રાંદેર ઝોનનું વહીવટી તંત્ર પણ સફાળું જાગ્યું હતું અને તળાવમાંથી મૃત માછલીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવ્યા બાદ તળાવમાં સાફ – સફાઈ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. જો કે, આ ઘટનાને કારણે શહેરના જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. બીજી તરફ મહાનગર પાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા તળાવમાં રહેલા પાણીના સેમ્પલો એકઠાં કરીને તપાસ અર્થે લેબોરેટરી મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જો કે, અત્યાર સુધી માછલીઓના મોત પાછળ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જેને પગલે આગામી દિવસોમાં તળાવના પાણીના સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આ અંગે મુખ્ય કારણ જાણવા મળી શકે તેમ છે.