ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર : હવે રૂલ સપાટી વધારીને 335 કરાશે
ઉકાઈ ડેમમાં(Ukai Dam) સતત પાણીની આવકને કારણે સોમવારે ડેમની જળ સપાટી 333 ફૂટની રૂલ લેવલને વટાવી ગઈ હતી. ત્યાર બાદ જેટલુ પાણી ડેમમાં આવી રહ્યું છે તેટલું જ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી વિસર્જન થતાં સુરતમાં વિયર કમ કોઝવે પર પણ ચાદર ચઢાવવાનું શરૂ થયું છે.
શહેરમાં બે દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ વહીવટીતંત્ર ડેમની વધતી જતી જળ સપાટી પર ચાંપતી નજર રાખી રહ્યું છે. કારણ કે ઉકાઈ ડેમમાં પાણીની આવક ચાલુ છે અને સોમવારે ડેમની જળ સપાટી 333 ફૂટની રૂલ લેવલને વટાવી ગઈ છે.
ડેમની જળસપાટી 333.38 ફૂટ પર સ્થિર રાખવા માટે વહીવટીતંત્રે હવે ઇનફ્લો અને આઉટફ્લો એકસરખો રાખ્યો છે. સોમવારે રાત્રે 23,352 ક્યુસેક પાણી ડેમમાં પ્રવેશી રહ્યું હતું અને તેટલું જ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું હતું. ડેમમાંથી પાણી છોડવાના કારણે સુરતમાં તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. વિયર કમ કોઝવેની પાણીની સપાટી સિઝનમાં પ્રથમ વખત 7 મીટરને વટાવી ગઈ છે અને કોઝવે પર ચાદર નાખવાની શરૂઆત થઈ ગઈ છે.
2 ઓગસ્ટથી રૂલ લેવલ 335 ફૂટ થશે
સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ડેમનું રૂલ લેવલ 333 ફૂટ નક્કી કરવામાં આવ્યું છે. ચોમાસુ હજી બાકી છે. આ સ્થિતિમાં 2 ઓગસ્ટથી રૂલ લેવલ બે ફૂટ વધારીને 335 ફૂટ કરવામાં આવશે અને 16 સપ્ટેમ્બરથી તેને 340 ફૂટ સુધી વધારવામાં આવશે.