ધુળેટી પર્વ પર કોઝવેમાં નાહવા પડેલા બે યુવકોના ડૂબી જતા મોત
સુરતમાં ધુળેટીનો(Holi) પર્વ માતમમાં ફેરવાયો હતો. રંગોના આ તહેવારમાં(Festival) મજા માણવા નીકળેલા બે યુવકો મોતને ભેંટ્યા છે. મળતી માહિતી પ્રમાણે તાપી નદી પર આવેલા કોઝવેમાં ધુળેટી રમ્યા બાદ એક યુવક નાહવા પડ્યો હતો. જે ડૂબવા લાગતા અન્ય એક યુવક તેને બચાવવા માટે તાપી નદીમાં કૂદી પડ્યો હતો. જોકે પાણી વધારે હોવાથી તે પણ ડૂબવા લાગ્યો હતો.
આમ બંને યુવકો તાપી નદીના કોઝવેમાં ડૂબવા લાગતા અન્ય મિત્રોએ બુમાબુમ કરી મૂકી હતી. જોકે તેમને બહાર કાઢવામાં તેઓ અસમર્થ રહ્યા હતા. સ્થાનિકો દ્વારા સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો કોઝવે પર પહોંચ્યો હતો. ફાયર ઓફિસર વસંત સૂર્યવંશીના જણાવ્યા પ્રમાણે બંને યુવકોને ડુબ્યાને 15 થી 20 મિનિટ જેટલો સમય થઇ ગયો હતો.
ફાયર વિભાગે કોઝવે પર પહોંચીને બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. અને સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડ્યા હતા. વધુમાં મળતી માહિતી પ્રમાણે આ બંને યુવકો મૂળ રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું છે. તેમજ બંને યુવકોની ઉંમર અંદાજે 20 થી 21 વર્ષની હોવાની માહિતી મળી છે.