Surat: ટ્રેક્ટર નીચે કચડાતા બે વર્ષની બાળકીનું પિતાની નજર સામે કરુણ મોત.
સુરત(surat)ના સરથાણા વિસ્તારમાં એક મજૂર પરિવાર ટ્રેક્ટર લઈ કામ અર્થે જવા નીકળ્યો હતો. તે વખતે ચાલુ ટ્રેક્ટર માંથી બે વર્ષની બાળકી નીચે પડી ગઈ હતી અને ટાયર નીચે આવી ગઈ હતી. પિતાની નજર સામેજ તેમની બે વર્ષની બાળકીનું ટાયર નીચે કચડાઇ જવાને કારણે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બાળકીના મોતને પગલે માતાએ ભારે કલોપાત કર્યો હતો જેને કારણે માતાની તબિયત બગડતા તેમને 108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ ઘટના અંગેની જાણ થતા સરથાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી બાળકીને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાત માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના નવા પાડા ગામનો વતની અને હાલ મજૂરી કામ કરતા મુકેશ સિંગાડિયા તેમના પત્ની રંગાબાઈ , ભાઈ અને બે બાળકો સાથે બે માસ પહેલા જ સુરત આવ્યા હતા. અને અહીં તેઓ સરથાણા જકાતનાકા પાસે આવેલ નેચરપાર્ક ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાના પ્રોજેક્ટમાં મજુરી ગામ કરે છે. ત્યારે આજરોજ સવારના સમયે મુકેશનો ભાઈ સુરેશ બાળકીને ખોળામાં બેસાડી ટ્રેક્ટર ચલાવતો હતો. અને બાળકીના પિતા કામ કરી રહ્યા હતા તે દરમિયાન સુરેશના ખોળામાંથી બાળકી ટ્રેકટરમાંથી નીચે પટકાઈ હતી અને પિતાની નજર સામે જ બે વર્ષની પ્રિયંકાના માથા ઉપર થી ટ્રેક્ટરનું પૈડું ફરી વળ્યુ હતું .
ઘટનાને પગલે બાળકીનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જેને કારણે પરિવારમાં શોક છવાઈ ગયો હતો. તેમજ બાળકીના મોત બાદ માતાની તબિયત બગડતાં 108 મારફતે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઘટના અંગે સરથાણા પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોટમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.