કુતરા કરડવાથી સુરતમાં દોઢ મહિનામાં ત્રણના મોત : પૂર્વ કોર્પોરેટરોએ ઉઠાવ્યા સવાલો
શહેરના(Surat) ભેસ્તાન વિસ્તારમાં બે દિવસ પહેલા કુતરા(Dog) કરડવાથી એક માસુમ બાળકના મોત બાદ શહેરમાં કૂતરાઓના વધી રહેલા આતંકને લઈને મહાનગરપાલિકાના દાવાઓ અને કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યા છે. ભૂતપૂર્વ કોર્પોરેટરોએ કૂતરાઓની નસબંધી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને કૌભાંડનો આક્ષેપ કર્યો હતો. તેઓએ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને મેયર હેમાલી બોઘાવાલાને પત્ર લખીને વિજિલન્સ તપાસની માંગ કરી છે.
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે. સિવિલ, સ્મીમેર હોસ્પિટલ અને મ્યુનિસિપલ હેલ્થ સેન્ટરોમાં દરરોજ મોટી સંખ્યામાં કૂતરા કરડવાના કેસ નોંધાઈ રહ્યા છે. બે દિવસ પહેલા ભેસ્તાન વિસ્તારમાં કૂતરાના હુમલામાં ઘાયલ થયેલા છ વર્ષના બાળકનું મોત થયું હતું. આ ઘટના બાદ શહેરીજનોમાં પાલિકા પ્રશાસન સામે રોષ જોવા મળી રહ્યો છે. પૂર્વ કોર્પોરેટરોએ પણ પાલિકાના વહીવટ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને મેયર હેમાલી બોઘાવાલાને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે એવો આક્ષેપ કર્યો છે કે શહેરમાં જે રીતે કૂતરાઓની સંખ્યા વધી રહી છે તે જોતા પાલિકા દ્વારા શ્વાનની નસબંધી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. પેપરોમાં શ્વાનની નસબંધીનું વર્ણન કરતાં તેમણે નસબંધીના નામે કૌભાંડનો આક્ષેપ કર્યો હતો. તેમણે આ મામલે વિજિલન્સ તપાસની માંગ કરી છે.
દોઢ મહિનામાં ત્રણ મોત
દોઢ મહિનામાં કૂતરાના હુમલાથી મોતની આ ત્રીજી ઘટના છે. જ્યારે સુરત શહેર અને જિલ્લામાં ચોથો બનાવ છે. ભેસ્તાનમાં 6 વર્ષના બાળકના મોત પહેલા ફેબ્રુઆરી મહિનામાં આવી જ બે ઘટનાઓ બની હતી. આ ઉપરાંત શ્વાન કરડવાના 50 થી 60 કેસ દરરોજ હોસ્પિટલોમાં પહોંચી રહ્યા છે.