સુરત પોલીસની પ્રસંશનીય કામગીરી : ગુમ થયેલી બે બાળકીઓને મહારાષ્ટ્રથી શોધી પરિવારને સોંપી
સુરતમાં (Surat ) બાળકીઓ ગુમ થયા બાદ તેમની સાથે બળાત્કાર અને દુષ્કર્મ જેવી ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે, ત્યારે આ દિશામાં પોલીસ(Police ) દ્વારા હવે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આવા જ એક બનાવમાં પોલીસે બે બાળકીઓના ગુમ થયાની ફરિયાદને ગંભીરતાથી લઈને તેમને શોધી કાઢીને પરિવારને સોંપીને કાબિલેતારીફ કામગીરી કરી છે.
તારીખ પહેલી નવેમ્બરના રોજ રાતના આશરે નવેક વાગે લક્કી સંજય રાય દ્વારા ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી કે સાંજના પાંચેક વાગ્યાથી તેમની અગીયાર વર્ષથી દિકરી તથા તેમના પડોશમાં રહેતી નવ વર્ષની બાળકી ઘરેથી બહાર રમવા જવાનુ કહી નીકળેલ છે અને રાતના મોડે સુધી ઘરે પરત આવેલ નથી. જેથી આજુબાજુના લીંબાયત,ઉધના,ગોડાદરા,પાંડેસરા,સચીન વિસ્તારમાં અવાર-નવાર નાની બાળકીઓ સાથે બળાત્કારના બનાવ ભુતકાળમાં બનવા પામ્યા હોય, પોલીસ દ્વારા આ ફરિયાદને ગંભીર રીતે લેવામાં આવી હતી.
કેવી રીતે પહોંચી પોલીસ ?
નાયબ પોલીસ કમિશ્નર ઝોન 2 ની સુચનાથી તથા મદદનીશ પોલીસ કમિશ્નર ‘’ડી” ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ ઇન્સપેક્ટર આર.જે. ચુડાસમા સાહેબ તથા સેકન્ડ પો. ઇન્સ. એસ.એમ.પઠાણ સાહેબના માર્ગદર્શન મુજબ બન્ને બાળકીઓને શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ નાઓએ અલગ-અલગ ટીમો બનાવી હતી અને આ દિશામાં ત્વરિત કાર્યવાહી કરવા સુચના આપી હતી.. જેથી બન્ને બાળકીઓને શોધી કાઢવા માટે બનાવની જગ્યાની આજુબાજુના તથા રૂટ મેપના તમામ CCTV કેમેરાની ફુટેજ ચેક કરતા બન્ને બાળકીઓ ઉધના રેલ્વે સ્ટેશન ખાતેથી નંદુરબાર મહારાષ્ટ્ર તરફ જતી ટ્રેનમાં બેસતી જોવા મળી હતી.
મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી મળી બાળકીઓ :
જેથી બન્ને બાળકી સાથે કોઇ ગંભીર બનાવ બને તે પહેલા શોધી કાઢવા માટે સર્વેલન્સ પો.સ.ઈ એચ.સી. મસાણી એ નંદુરબાર રેલવે વિભાગ સાથે પણ સતત કોન્ટેક્ટમાં રહી ગુમ થયેલ બન્ને બાળીકોના ફોટા તથા ઓળખ માટે જરૂરી માહીતી વોટસ અપ દ્વારા મોકલી હતી.. જે દરમ્યાન બન્ને બાળકીઓ ને નંદુરબાર રેલ્વે સ્ટેશનની પોલીસ એ નંદૂરબાર વાળી ટ્રેન માં તપાસ કરતા બન્ને બાળકીઓ મળી આવી હતી. જેથી તેઓ એ તાત્કાલીક સર્વેલન્સ પો.સ.ઈ એચ.સી. મસાણી ને જાણ કરી હતી અને તેમણે આ બાબતે ઉપરી અધિકારીઓને જાણ કરી અને તેઓની સુચના મુજબ ડીંડોલી પોલીસ સ્ટેશનની એક ટીમ તાત્કાલીક નંદુરબાર રેલ્વે સ્ટેશન (મહારાષ્ટ્ર) ખાતે જવા રવાના કરી હતી.
અને બન્ને બાળકીઓને નંદુરબાર રેલ્વે સ્ટેશન (મહારાષ્ટ્ર) ખાતેથી શોધી કાઢી પરત ડીંડોલી ખાતે લાવી ચાઇલ્ડ વેલ્ફેર ઓફીસર રૂબરૂ તેમને સંપુર્ણ વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા તેમની સાથે કોઇ ગુનાહીત કૃત્ય નહી બનેલાનુ જણાવી હતી. સુરત પોલીસ દ્વારા તે બાદ બંને બાળકીઓનો કબ્જો તેમના પરિવારને સોંપીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.