સુરતના લસકાણા ખાતે નિર્માણ થઈ રહેલ ખાડી બ્રિજનો સ્પાન ધરાશાઈ, તંત્રના ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી પડી
બ્રિજ સીટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં હજીએ અનેક નવા બ્રીજોનું કામ પ્રગતિ મા છે. પરંતુ આ વચ્ચે શહેરના છેવાડે આવેલ લસકાણા ગામને જોડતા નિર્માણ થઈ રહેલ ખાડી બ્રીજની કામગીરી દરમિયાન તંત્રનો ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યો છે. બ્રિજ હજી તો બની રહ્યો છે પરંતુ તે પહેલા જ બ્રિજનો તૈયાર થયેલો એક સ્પાન ધડાકાભેર તૂટી પડ્યો હતો. અને ત્યારબાદ તેનો કાટમાળ હટાવી લઈ ચુડા દ્વારા ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
સુરત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા લસકાણા ગામને જોડતા ખાડી બ્રિજનું 10 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે. હાલ તેનું કામ ચાલી રહ્યું છે પરંતુ 6 એપ્રિલના રોજ આ ખાડી બ્રિજનો એક સ્પાન રાત્રિના સમયે અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ભય જોવા મળ્યો હતો. ત્યારે બીજી તરફ શહેરમાં થયેલા વિકાસ કામો વચ્ચે લસકાણા ખાતે નિર્માણ થયેલ આ ખાડી બ્રીજનો સ્પાન ધરાશાઈ થતાં તંત્રની ભ્રષ્ટાચાર ની પોલ ઉઘાડી પડી છે. એટલું જ નહીં પરંતુ તૂટી પડેલા બ્રીજની સમગ્ર ઘટનાને છુપાવવા માટે કાટમાળ ખસેડવાની કામગીરી કરી ચુડા દ્વારા સ્મગ્ર મામલે ભીનું સંકેલી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
વિકાસની કામોમાં વિમાન ગતિએ આગળ વધી રહેલ સુરત શહેરમાં હાલ નવા રેલવે સ્ટેશન,મેટ્રો,બ્રિજ સહિતના અનેક કામો પ્રગતિમાં છે.પરંતુ હવે આ કામગીરીમાં તંત્રની બેદરકારી સાથે ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી પડી છે. હજી તો બ્રિજ નું નિર્માણ કાર્ય જ ચાલી રહ્યું હતું અને તે જ સમયે ખાડી બ્રીજનો સ્પાન અચાનક ધરાશાય થવાને કારણે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.