ખરાબ અક્ષરને કારણે શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો : શિક્ષક સામે કાર્યવાહી કરવા માંગ
શહેરના પીપલોદ ખાતે આવેલ એક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને(Student) શિક્ષિકા દ્વારા માર મારવામાં આવતાં વાલીમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. શિક્ષિકા દ્વારા માથાના ભાગે મારવાને કારણે વિદ્યાર્થી ઘરે પહોંચ્યા બાદ ચક્કર ખાઈને પડી ગયો હતો. જેને પગલે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલમાં વિદ્યાર્થીની માતા દ્વારા શિક્ષક વિરૂદ્ધ અક્ષર સારા ન હોવાને કારણે માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે.
પીપલોદ ખાતે શારદાયતની સરદાર વલ્લભભાઈ પટેલ શાળામાં બીજા ધોરણમાં અભ્યાસ કરતાં પ્રિયાંશુ દિનેશ દુધાતરાને છેલ્લા કેટલાક દિવસોથી શિક્ષિકા દ્વારા માર મારવામાં આવી રહ્યો હતો. હેન્ડ રાઈટિંગ સારી ન હોવાને કારણે પ્રિયાશુંને માર મારવામાં આવી રહ્યો હોવાનું તેની માતા પ્રવિણા દુધાતરા દ્વારા જણાવવામાં આવ્યું હતું. જો કે, પ્રિયાશું આજે ઘરે પહોંચ્યા બાદ ચક્કર ખાઈને પડી જતાં પ્રવિણાબેન તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં પ્રિયાશુંનો એક્સરે સહિતનો રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. હાલમાં વિદ્યાર્થીની માતા પ્રવિણા દુધાતરા દ્વારા શિક્ષિકા વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે અને જો શાળા સંચાલકો દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો પોલીસ ફરિયાદ નોંધાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.