Surat : છેલ્લા બે અઠવાડિયાથી ઠપ્પ થયેલી પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી આજથી પૂર્વવત થશે
બે અઠવાડીયાથી કોવિડશીલ્ડ વેક્સિનનો (Vaccine) જથ્થો ખતમ થઈ ગયો હોવાથી મનપાના(SMC) હેલ્થ સેન્ટરો ૫૨ વેક્સિનની કામગીરી મોટેભાગે ઠપ થઈ ગઈ હતી. કોવેક્સિનનો જથ્થો મનપા પાસે ઉપલબ્ધ હતો, પરંતુ કોવેક્સિન મૂકવનારા લોકોની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે. છેલ્લા બે સપ્તાહથી બંધ પડેલ વેક્સિનેશનની કામગીરી હવે આજથી તમામ હેલ્થ સેન્ટરો પર પૂર્વવત થશે.
મનપાની માંગણીને આધારે સરકાર દ્વારા 20 હજાર કોવિશીલ્ડ રસીનો જથ્થો પૂરો પાડ્યો છે. મનપા દ્વારા ૨ લાખ રસીની માગણી સરકાર સમક્ષ કરવામાં આવી હતી, પરંતુ સરકાર પાસે જ ડોઝ ઉપલબ્ધ ન હોવાથી છેલ્લા બે અઠવાડિયાથી જથ્થો મળી શક્યો નહોતો. બે અઠવાડિયા પૂર્વે ચાઈના સહિતના દુનિયાના કેટલાક દેશોમાં ફરી કોરોનાએ માથુ ઉચકતા ગભરાટનો માહોલ સમગ્ર દેશમાં ઊભો થયો હતો.
સરકાર અને મનપાની અપીલને પગલે લોકો બાકી રહેલ રસીનો ડોઝ લેવા માટે વેક્સિન સેન્ટરો સુધી પહોંચ્યા હતાં. પરંતુ કોવિશીલ્ડ રસીનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી લોકો રસીથી વંચિત રહ્યા હતાં અને બે સપ્તાહ સુધી કામગીરી બંધ રહી હતી. આજે મનપાને 20 હજાર ડોઝનો જથ્થો મળતા તમામ હેલ્થ સેન્ટરો પર વેક્સિનેશનની કામગીરી પુનઃ પ્રારંભ કરવામાં આવશે. નોંધનીય છે કે સુરતમાં 40 લાખ લોકોએ પ્રિકોશન ડોઝ લઇ લીધો છે, જયારે 30 લાખ લોકો હજી પણ પ્રિકોશન ડોઝ લેવાના બાકી છે.