Surat: ઉધનામાં જાહેરમાં એક શખ્સ ફાયરિંગ કરનારા આરોપી ઝડપાયા
લાલા ભરવાડ નામના વ્યક્તિએ નવસારીના વકીલની આપી હતી સોપારી
આરોપીઓએ અંગત અદાવતમાં ભંગારની દુકાનના માલિક પર ફાયરિંગ કર્યું
પોલીસે ત્રણેય વિરુદ્વ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી
સુરતના ઉધનામાં બે ઈસમો દ્વારા જાહેરમાં એક શખ્સ પર ફાયરીંગ કરવામાં આવ્યું હતું. જો કે, નિશાન ચૂકી જતા બંન્ને શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે બાદ પોલીસ દ્વારા બંન્ને ઈસમો વિરુદ્વ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ફિલ્મ ઢબે પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના ઉધના વિસ્તારમાં ભંગારની દુકાનના માલિક પર જાહેરમાં બે લોકો ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. જેથી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરતા ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, ફાયરિંગ કરનારા બે લોકો સ્પોર્ટ્સ બાઈક સાથે ભીમરાડ ચેક પોસ્ટ પાસે ઉભા છે..જેથી તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ ત્યાં રવાના થઈ હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચીતા આરોપીઓ ત્યાંથી તુરંત બાઈક લઈને ભાગવાની કોશિસ કરી હતી. જોકે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફિલ્મી ઢબે તેમનો પીછો કર્યો હતો. આ દરમિયાન આરોપીઓએ બાઈક વડે પોલીસને કારને ટક્કર મારી હતી.
ટક્કર એટલી જોરદાર મારી હતી કે, પોલીસની કારના એર બેગ પણ બહાર આવી ગયા હતા. સાથે સાથે કારના બોનેટને પણ નુકશાન પહોંચ્યું હતું. મહત્વનું છે કે, આ ટક્કરમાં ફાયરિંગ કરનાર આરોપીઓ પણ નીચે પટકાયા હતા. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ફાયરિંગ કરનાર સંજય ઉર્ફે સંજુ રમેશ તિવારી અને બાળ કિશોરને 2 પિસ્તલ તેમજ સાત કારતુઝ સાથે પકડી પાડ્યા હતા. જે બાદ બંન્ને આરોપીઓને પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા..
લાલા ભરવાડે વિજય નાયકની સોપારી આપી
પોલીસે બંનેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, ભાવેશ ઉર્ફે લાલા ભરવાડ નામના વ્યક્તિએ તેમને નવસારીના વકીલ વિજય નાયકને મારવાની સોપારી આપી હતી. આ સોપારી સાથે તેમણે બંન્નેને પિસ્તલ અને કારતુઝ આપ્યા હતા. જે બાદ બંન્ને આરોપી વકીલને મારવા જતા પહેલા પોતાની અંગત અદાવત પૂરી કરવા માટે સુરતના ઉધના વિસ્તારમાં ભંગારની દુકાનના માલિક જાવીદ પર ફાયરિંગ કર્યું હતું. જો કે, નિશાન ચૂકી જતા ત્યાંથી ભાગી ગયા હતા. જાવીદ પર ફાયરિંગ કર્યા બાદ તેઓ વિજય નાયકની હત્યા કરવા જવાના હોવાનું તેમણે જણાવ્યું હતું. જો કે, તે પહેલા ક્રાઈમ બ્રાન્ચે તેમને ઝડપી પાડ્યા હતા. જે બાદ પોલીસે આ મામલે ભાવેશ ઉર્ફે લાલા ભરવાડની પણ ધરપકડ કરી હતી. જ્યારે ફાયરિંગ કરનાર એક બાળ કિશોર તેમજ સંજય ઉર્ફે સંજુ રમેશ તિવારી વિરુદ્વ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અગાઉ પણ લાલા ભરવાડે વિજય નાયક પર હુમલો કર્યો હતો
થોડા સમય પહેલા લાલા ભરવાડ સામે પ્રોપર્ટીના કેસને લઈ વિજય નાયકે કાર્યવાહી કરી હતી. જેથી લાલા ભરવાડ ઉર્ફે ભાવેશે વકિલ વિજય નાયક સામે અદાવત રાખી તેને પતાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો. જેને લઈ અગાઉ વિજય નાયક પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, તે હુમલો નિષ્ફળ જતા લાલા ભરવાડ ઉર્ફે ભાવેશ દ્વારા બાળ કિશોર તેમજ સંજય ઉર્ફે સંજુ રમેશ તિવારીને વકીલ વિજય નાયકને મારી નાખવાની સોપારી આપી પિસ્તલ અને કારતુસ આપવામાં આવ્યું હતું.