Surat : ઈન્ડોર સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનો દબદબાભેર પ્રારંભ
આગામી 24 સપ્ટેમ્બર સુધી યોજાનાર ટેબલ ટેનિસ સ્પર્ધામાં દેશના તમામ રાજ્યોના 43 મહિલા અને 42 પુરૂષ મળીને કુલ 85 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આજે પહેલા જ દિવસે ત્રણ રાઉન્ડની સ્પર્ધામાં 24 મેચોનું આયોજન કરવામાં આવશે.
સુરત શહેરના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આજથી 36મી નેશનલ ગેમ્સનો દબદબાભેર પ્રારંભ થયો હતો. મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા આજે વહેલી સવારે જ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચીને સ્પર્ધા અંગેની તૈયારીઓ સંદર્ભેનું નિરીક્ષણ કર્યું હતું અને બપોરે 11 વાગ્યાથી ઈન્ડોર સ્ટેડિયમમાં મહિલા અને પુરૂષ ટીમોની ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ થવા પામ્યો હતો.
ગુજરાતમાં સુરત સહિત છ શહેરોમાં 36મી નેશનલ ગેમ્સ માટેની તડામાર તૈયારીઓ વચ્ચે આજથી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસ સ્પર્ધાનો ભારે ઉત્સાહ વચ્ચે પ્રારંભ થયો હતો. આગામી 24 સપ્ટેમ્બર સુધી યોજાનાર ટેબલ ટેનિસ સ્પર્ધામાં દેશના તમામ રાજ્યોના 43 મહિલા અને 42 પુરૂષ મળીને કુલ 85 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આજે પહેલા જ દિવસે ત્રણ રાઉન્ડની સ્પર્ધામાં 24 મેચોનું આયોજન કરવામાં આવશે. જોકે, ઈન્ડોર સ્ટેડિયમમાં રાષ્ટ્રીયકક્ષાની ટેબલ ટેનિસની સ્પર્ધા જોવા માટે સુરતીઓમાં પણ ભારોભાર ઉત્સાહ જોવા મળ્યો હતો અને અંદાજે છ હજારથી નાગરિકો ઈન્ડોર સ્ટેડિયમમાં મેચ જોવા માટે પહોંચ્યા હતા.