સુરતનું કાપડ બજાર પણ બની ગયું રામમય: સુરત ટેક્સટાઇલ વેપારીઓએ રામ મંદિર થીમ પર ડીજીટલ સાડી બનાવી
અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલા પ્રતિમાના અભિષેક સમારોહને લઈને સુરતના કાપડ બજારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં 22 જાન્યુઆરીના રોજ શણગાર અને ધાર્મિક કાર્યક્રમોની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સાથે રામ મંદિરની ઝલક દર્શાવતી સાડીઓ પણ બનાવવામાં આવી છે, જેની માંગ પણ આવવા લાગી છે.
ડિજિટલ મશીન પર પ્રિન્ટેડ
સાડીને ખાસ કરીને રામ મંદિરની ઝલક આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેને 450 રંગોનો ઉપયોગ કરીને ડિજિટલ મશીન પર પ્રિન્ટ કરવામાં આવી છે. રામ મંદિર સાડી ડિઝાઇન કરનાર વન ટચ ડિજિટલના કમલેશ માસ્ટરે કહ્યું કે તેઓ રામલલા અભિષેક સમારોહ માટે કંઈક અલગ કરવા માગે છે.
ખૂબ વિચાર કર્યા પછી આ સાડી બનાવવાનું નક્કી થયું. તેને ડિઝાઇન કરવું મુશ્કેલ હતું. એક અઠવાડિયામાં 15 જેટલી ડિઝાઇન તૈયાર કરી. અંતે એક ડિઝાઈન ફાઈનલ કરીને પ્રિન્ટ કરવામાં આવી, જે જોતા જ બધાને ગમી ગઈ.
સાડીમાં રામ-હનુમાન અને મોદી-યોગી
સાડીમાં રામ મંદિર મોડેલની બે તસવીરો છે. ભગવાન રામ અને હનુમાન તેમની સેના સાથે દર્શાવવામાં આવ્યા છે. સાડીના પલ્લુ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રામની તસવીર છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીર છે. આ પહેલા કમલેશ માસ્ટર સર્જિકલ સ્ટ્રાઈક, સેક્શન 370 અને ધ કાશ્મીર ફાઇલ્સ માટે સાડીઓ બનાવી ચૂક્યો છે.