સુરત ડાયમંડ બુર્સ : વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ એપ્રિલમાં શરૂ કરવાનું આયોજન
વિશ્વની (World) સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સનાં (Diamond Bourse) ચેરમેન વી.એસ.પટેલે ડાયમંડ બુર્સમાં ઓફિસ (Office) ધરાવતા 4200થી વધુ લોકોને લેખિત પત્ર પાઠવીને જાહેરાત કરી છે કે એપ્રિલ ૨૦૨૩માં ડાયમંડ બુર્સ કાર્યાન્વિત કરી દેવામાં આવશે. જે ઓફિસ ધારકોએ પોતાની ઓફિસમાં ફર્નિચર તૈયાર કર્યું છે તેઓ ઉદઘાટનનાં પહેલા જ દિવસથી તેમાં ડાયમંડનો કારોબાર શરૂ કરી શકશે. ડાયમંડ બુર્સનાં ચેરમેને જણાવ્યું કે નાના મોટા પ્રશ્નો અને માગણીઓનો સત્વરે નિકાલ કરવામાં આવશે.
સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ પટેલે ઓફિસ ધારકોને જણાવ્યું કે ઘણાં ઓફિસધારકોએ હજુ સુધી તેમની ઓફિસમાં ફર્નિચર કે ઇન્ટીરીયરનું કામ શરૂ કરાવ્યું. નથી. આવા ઓફિસધારકો સત્વરે પોતાનું કામ શરૂ કરાવે જેથી કરીને એપ્રિલ માસમાં ડાયમંડ બુર્સના ઉદઘાટન સાથે જ બુર્સ સંકુલમાં વ્યાપારીક પ્રવૃતિઓ ધમધમી ઉઠે. તેમણે સભ્યોને કહ્યું કે સુરત મહાનગરપાલિકાએ તા.7મી નવેમ્બરે જ બિયુસી આપી દીધું છે. હાલમાં ડાયમંડ બુર્સમાં હાઉંસકિપીંગ, ઓપરેશન્સ, મેઇન્ટેનન્સ, સિક્યુરિટી વગેરે માટે ૨૦૦થી વધુ લોકોનો સ્ટાફ કાર્યાન્વિત છે. સુરત ડાયમંડ બુર્સ એ સેક્શન-8 કંપની છે જે નહીં નફો નહીં નુકસાનના ધોરણે કામ કરે છે. સુરત ડાયમંડ બુર્સમાં જે પણ કંઇ ખર્ચ થાય છે એ સ્કવેર ફૂટ પ્રમાણે સભ્યોમાં ડિવાઇડ કરી દેવાય છે. જેને લઇને જ જાન્યુઆરી 2023થી મેઇન્ટેનન્સ લેવાનું શરુ કરાયું છે. જો મેઇન્ટેનન્સ નહીં લેવાય તો એ ખર્ચ કેપિટલ કોસ્ટમાંથી ચૂકવવો પડશે સરવાળે સભ્યોએ જ ચૂકવવો પડશે. ભવિષ્યમાં ડાયમંડ બુર્સને સેફ વોલ્ટ, લીઝ વગેરેમાંથી આવક પણ થશે ત્યારે મેઇન્ટેનન્સ અંગે જે તે સમય અનુસાર નિર્ણય લેવાશે.
કેટલાક સભ્યોએ ડાયમંડ બોઇલિંગ માટેની સુવિધાની માગ કરી છે તેમના માટે પણ કેમ્પસમાં યુટિલીટી બિલ્ડીંગ આપવાનું નક્કી કર્યું છે. એક કરતા વધારે ક્વોલિફાઇડ એજન્સીઓને જગ્યા ફાળવીશું જ્યાં સભ્યો ડાયમંડ બોઇલિંગ કરાવી શકશે. સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા પણ ટૂંકસમયમાં મળવા માંડશે. ટૂંકમાં જે સભ્યોએ પોતાની ઓફિસનું ફર્નિચર કામ શરૂ કરાવ્યું નથી તેમણે તાકીદે એ કામ શરૂ કરવું જોઇએ જેથી એપ્રિલ માસમાં બુર્સનું ઉદઘાટન કરીને ધમધમતુ કરી શકાય.