ટૂંક સમયમાં પીએમ મોદીના હસ્તે કરાશે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન : તૈયારીઓ શરૂ
સુરતના (Surat) ખજોદ ખાતે 561.98 હેક્ટર જમીનમાં નિર્માણાધિન સુરત ડાયમંડ બુર્સ(Diamond Bourse) પ્રોજેક્ટ સુરત શહેર માટે એક નવું નજરાણું નજીકના ભવિષ્યમાં બની રહેશે. ડાયમંડ બુર્સ પ્રોજેક્ટ સંલગ્ન 14.38 હેક્ટર જમીનમાં નિર્મિત એસડીબી ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન નજીકના ભવિષ્યમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.
ડાયમંડ બુર્સ પ્રોજેક્ટ સાવ અંતિમ ફીનિશિંગના તબક્કામાં છે. હાલ જ રાજ્ય સરકારમાં ઓએસડી તરીકે નિયુક્ત નિવૃત આઇએએસ અધિકારી હસમુખ અઢિયાએ પણ ડાયમંડ બુર્સ તથા ડ્રીમ સિટી પ્રોજેક્ટની વિઝિટ કરી હતી તથા ડાયમંડ બુર્સ પ્રોજેક્ટમાં થયેલ કામગીરીનું વિસ્તૃત નિરીક્ષણ કર્યુ હતું.
વડા પ્રધાન મોદીના હસ્તે ડાયમંડ બુર્સ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન નજીકના સમયમાં ગોઠવાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ અંગેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જ ઓએસડી અઢિયા સ્પેશિયલ સુરત આવ્યા હોય તેવી ચર્ચા સાંભળવામાં આવી છે. ડાયમંડ બુર્સના કારભારીઓ દ્વારા પણ નજીકના સમયમાં જ વડા પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરાવવા માટેની તૈયારીઓ કરી દીધી છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે પણ હાલમાં જ એક કાર્યક્રમમાં આ અંગે જાહેરમાં નિવેદન આપ્યું હતું. ડ્રીમસિટી પ્રોજેક્ટમાં કુલ 6 ફેઝમાં વર્ષ 2040 સુધી પાયાની માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. મુખ્યત્વે રોડ, યુટિલિટી ડક્ટ, સ્ટ્રીટલાઇટ, પીવાનું પાણી, ટર્સરી ટ્રીટેડ વોટર, ગટર તેમજ વરસાદી પાણીની ગટર જેવી સુવિધાઓના અંદાજે 400 કરોડના પ્રોજેક્ટ હાલ પૂર્ણ થયા છે.
હાઇવેથી ડાયમંડ બુર્સ તથા ડાયમંડ બુર્સની આસપાસ 2.70 કિ.મી.ના માર્ગ (ફેઝ-1) 103 કરોડના ખર્ચે તૈયાર કરાયા છે. તદ્ઉપરાંત ભવ્ય એન્ટ્રી ગેટ તૈયાર કરી દેવાયો છે. સંપૂર્ણ પ્રોજેક્ટના મોનિટરિંગ તથા અન્ય વહિવટી કામગીરી માટે ડ્રીમ સિટીનું વહિવટીભવન તથા 53 હજાર ચો. મીટરમાં ભવ્ય ગાર્ડન બનાવવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.