આજથી 10 દિવસ માટે આક્રમક રીતે સુરત કોર્પોરેશન શરૂ કરશે “ઢોર પકડો ઝુંબેશ”
રાજ્યમાં(State) રખડતા ઢોરોને મુદ્દે હાઈકોર્ટની (High Court) ફટકારને પગલે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ દ્વારા બે દિવસીય દિલ્હી પ્રવાસે જતા પૂર્વે સવારે સાડા નવ કલાકે રાજ્યની તમામ મનપા કિંમશનરો તથા કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, ગૃહ વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત વીડિયો કોન્ફરન્સ યોજી હતી. રખડતા ઢોરના મુદ્દે દરેક કોર્પોરેશનો દ્વારા કરવામાં આવેલ કામગીરીનો રિવ્યુ લીધો હતો. એટલું જ નહીં આગામી 10 દિવસ સમગ્ર રાજ્યમાં ખૂબ જ આક્રમક ઢબે રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવાની સ્પષ્ટ તાકીદ કરી હતી. 10 દિવસ બાદ ફરી મુખ્યમંત્રી દ્વારા રિવ્યુ બેઠક યોજવામાં આવશે.
વીડિયો કોન્ફરન્સમાં સરકાર દ્વારા મળેલી તાકીદને પગલે સુરત મનપા તંત્ર દ્વારા આજથી આક્રમક રીતે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. મનપાના ઢોર ડબ્બા વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી 20 ટીમો બનાવીને આ અંગેની કામગીરી હાથ ધરવામાં આવે છે. જોકે આજથી આક્રમક રીતે ઝૂંબેશ હાથ ધરવાની હોવાથી મનપા કમિશનરને દ્વારા પોલીસ બંદોબસ્ત માટે પોલીસ કમિશનરને પત્ર પાઠવવામાં આવ્યો છે.
તમામ ઝોનમાં કાર્યરત પાળી દીઠ ટીમો અને સ્ટાફના મોબાઈલ નંબર સાથેની વિગતો પત્ર સાથે પોલીસ કમિશનરને પાઠવવામાં આવી છે. સવારે, બપોરે અને રાત્રિ દરમિયાન કઇ ટીમો દ્વારા કયા રૂટો પર કામગીરી કરવામાં આવશે તેની જાણ પણ પોલીસ કમિશનરને કરવામાં આવી છે. થોડા માસ પૂર્વે સરકારની સૂચનાના પગલે પોલીસ કમિશનરને વિશેષ ઓર્ડર ઈસ્યુ કરીને ઝોન દીઠ ડીસીપીની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરી હતી. જેના આધારે કામગીરી કરવામાં આવશે. હવે કેમેરાથી રખડતા ઢોરોને પકડવાની કાર્યવાહી સઘન કરવામાં આવશે. હવે ફક્ત દંડ નહીં પણ ઢોરોને સીધા જપ્ત જ કરવામાં આવશે.