Surat : સુરતીઓએ ડોનેટ કરેલા 40 હૃદય ધબકી રહ્યા છે દેશના અલગ અલગ ખૂણાઓમાં
એક વ્યક્તિ અંગદાન કરીને 8 લોકોને નવું જીવન આપી શકે છે. આ અંગે લોકોને જાગૃત કરવા માટે 13મી ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં અંગદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. અંગદાનની બાબતમાં સુરત રાજ્યમાં જ નહીં પરંતુ દેશમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે. 2015થી અત્યાર સુધીના આઠ વર્ષમાં 40 હૃદયનું દાન કરવામાં આવ્યું છે, જે દેશના અલગ-અલગ ખૂણે ધબકી રહ્યા છે.
કોવિડ રોગચાળા દરમિયાન, 2020 અને 2021 માં સુરતમાંથી સૌથી વધુ 22 ફેફસાંનું દાન કરવામાં આવ્યું છે. નેશનલ હેલ્થ પોર્ટલ અનુસાર, ભારતમાં દર વર્ષે 5 લાખ લોકો સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે. તેમાંથી 2 લાખ એવા છે જેઓ લીવર ન મળવાને કારણે મૃત્યુ પામે છે. દર વર્ષે 1.5 લાખ લોકોને કિડનીની જરૂર પડે છે, પરંતુ તે માત્ર 5 હજારને જ મળે છે.
ડોનેટ લાઈફના વડા નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે સુરત 2006 થી અંગદાન વિશે લોકોને જાગૃત કરી રહ્યું છે. તાજેતરમાં, દક્ષિણ ગુજરાત, પછી સમગ્ર ગુજરાત અને હવે દેશના વિવિધ ખૂણામાં અંગદાનના કેસમાં વધારો થયો છે. સુરતમાં હૃદય, ફેફસા, કીડની, લીવર, સ્વાદુપિંડ, આંતરડા, હાથ, આંખો સહિતના અવયવોનું દાન કરવામાં આવ્યું છે.
તેમણે માહિતી આપી હતી કે સુરતમાં 2015 થી 2022 સુધીમાં 40 હૃદયનું દાન કરવામાં આવ્યું છે. જેમાં સુરતથી મુંબઈમાં 22, અમદાવાદમાં 10, ચેન્નાઈના 6, ઈન્દોરમાં 1 અને દિલ્હીમાં 1 હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે વિશ્વભરમાં ઓર્ગનની માંગ અને પુરવઠા વચ્ચે મોટો તફાવત છે. ભારતમાં તે વધુ છે. નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન અનુસાર, ભારતમાં દર વર્ષે 2.5 લાખ લોકોને કિડની, 80 હજાર લીવર, 50 હજાર હૃદય અને 1 લાખ કોર્નિયાની જરૂર હોય છે, પરંતુ ભારતમાં ઓછા અંગોનું દાન કરવામાં આવ્યું હતું.