વિઘ્નહર્તાનું આવું વિસર્જન ? કેનાલમાં રઝળતી જોવા મળી બાપ્પાની પ્રતિમા
સુરત શહેરમાં વધુ એક વખત ગણેશોત્સવના તહેવારની સાથે જ કહેવાતા શ્રદ્ધાળુઓ દ્વારા શ્રીજીની પ્રતિમાનું નહેરના પાણીમાં વિસર્જન કરવામાં આવતાં લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. નહેરના છીછરા પાણીમાં ગણેશજીની પ્રતિમાઓને રઝળતી મુકીને કહેવાતા શ્રદ્ધાળુઓ રવાના થતાં હવે આ પ્રતિમાઓની પુનઃ વિસર્જનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના પાલનપોર ખાતે આવેલ કેનાલમાં અસંખ્ય પ્રતિમાઓ મળી આવતાં ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો પણ દોડતા થઈ ગયા હતા.
સુરત શહેર – જિલ્લામાં દર વર્ષે ગણેશોત્સવના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
જો કે, આ તહેવાર દરમિયાન કેટલાક શ્રદ્ધાળુઓ દ્વારા શ્રીજીની પ્રતિમાના વિસર્જન દરમિયાન ધરાર લાપરવાહી દાખવવામાં આવતી હોય છે. જેને પગલે લોકોમાં આ પ્રકારની ઘટનાઓને કારણે ભારે રોષ ફાટી નીકળતો હોય છે. ગત વર્ષે ખરવાસા નહેરમાં પણ સેંકડો પ્રતિમાઓ રઝળતી હાલતમાં મળી આવી હતી ત્યારે આ વર્ષે પાલનપુર ખાતે આવેલ કેનાલમાં પણ લોકો દ્વારા શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતું. જેને પગલે ત્યાંથી પસાર થનારાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.
એક તરફ વહીવટી તંત્ર દ્વારા નદી અને નહેરમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જન માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારે આ પ્રકારની ઘટનાને કારણે દુંદાળા દેવની પાંચ – દસ દિવસ સુધી ભારે પૂજા અર્ચના બાદ આ રીતે વિસર્જન કરનારાઓ વિરૂદ્ધ હવે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી પણ માંગણી ઉઠવા પામી છે.