સુરતીઓએ ખાણી પીણીની જગ્યાઓ પર નહિ ચૂકવવા પડે પાણી માટે રૂપિયા, સુરત મનપા તંત્રની કડક સૂચના
સુરતીઓએ હવે ફાસ્ટફૂડ લારી કે દુકાનો પર પાણીના પૈસા ચૂકવવા નહિ પડે . અને આ સરાહનીય કાર્ય માટે સુરત મનપા દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.સુરતમા મોટાભાગની ફાસ્ટફૂડની લારી અથવા દુકાનો વાળા ગ્રાહકોને પાણીની સગવડ આપતા નથી. જેને કારણે ગ્રાહકોએ ફરજિયાત પાણીની બોટલ ખરીદવાની નોબત આવે છે . ત્યારે આ અંગે જાગૃત નાગરિકો દ્વારા મળેલી ફરિયાદ બાદ સુરત વોર્ડ નંબર 21ના કોર્પોરેટર અને સ્થાઈ સમિતી સભ્ય વ્રજેશ ઉનડકટે મનપા કમિશ્નરને ધ્યાન દોરતાં સુરત મનપા દ્વારા શહેરની કેફે અને ફાસ્ટફુડ વેચતી તમામ સંસ્થાઓને ફરજિયાત પણે પાણીની સુવિધા આપવાની સૂચના આપવામાં આવી છે.
આ અંગે સુરત મનપાના સ્થાયી સમિતિ સભ્ય અને વૉર્ડ નંબર 21 ના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયાના માધ્યમ અને જાગૃત નાગરિક દ્વારા ફાસ્ટ ફૂડ અને કેફેમાં પાણીની સુવિધા ન મળતી હોવાની ફરિયાદ મળી હતી. ત્યારે આ અંગે તેઓએ મનપા કમિશનરે રજૂઆત કરી હતી કે
પાલિકાનું આરોગ્ય વિભાગ જ્યારે ખાણીપીણીની સંસ્થાઓને ફૂડ લાયસન્સ આપે છે જેના નોર્મ્સ પ્રમાણે ખાણીપીણીની દરેક સંસ્થાઓએ પાણીની સગવડ પણ આપવી જોઈએ. પરંતુ હાલ શેરમાં કેટલીક જગ્યા એ આ નિયમ નું પાલન થતું નથી અને તેને કારણે ગ્રાહકોએ વેચાતી પાણીની બોટલ લેવાની ફરજ પડે છે. જો કે કોઇપણ ખાણી-પીણીની સંસ્થા પાણીની બોટલ લેવા ફરજ પાડી શકે નહિ.અને તેઓએ જ વ્યવસ્થા કરવાની હોય છે.
કોર્પોરેટ દ્વારા કરવામાં આવેલી આ રજૂઆત બાદ સુરત મનપા સ્થાયી સમિતિની બેઠકમાં ચર્ચા થઇ હતી.અને ત્યારબાદ દરેક ઝોનના અધિકારીઓને તેમના ઝોનમાં આવતી રેસ્ટોરન્ટ તેમજ ફાસ્ટફૂડની સંસ્થાઓમાં આ રીતે ફરજિયાત પાણીની વ્યવસ્થા કરવા માટે સૂચના આપવા તાકીદ કરવામાં આવી છે.અને જો કોઈ સંસ્થા તે નિયમનો ભંગ કરશે તો તેની સામે કાર્યવાહી પણ કરશે તેવું જણાવવામાં આવ્યું છે.આ ઉપરાંત શહેરીજનોને પણ જો કોઈ કેફે અથવા ફાસ્ટ ફૂડની લારી કે દુકાન પર પાણીની વ્યવસ્થા ન મળે તો તેઓ આરોગ્ય વિભાગ અથવા તો એસએમસીના હેલ્પલાઇન નંબર પર જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.