ભારતની સંસદમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે : ભાજપે સાંસદોને હાજર રહેવા આપી સૂચના
કેન્દ્રની મોદી સરકાર વારંવાર ચોંકાવનારા નિર્ણયો (Decision) લે છે. તાજેતરમાં સંસદનું ચોમાસુ સત્ર સમાપ્ત થયું. પરંતુ સરકારે ફરીથી 18 સપ્ટેમ્બરથી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સમયગાળા દરમિયાન સરકાર આવા ઘણા બિલ લાવી શકે છે. જેના કારણે લોકોને આંચકો લાગશે. સરકારે વિશેષ સત્ર બોલાવ્યા બાદ ભાજપે તેના સાંસદોને વ્હિપ જારી કરીને સંસદ સત્ર દરમિયાન હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.
તમને જણાવી દઈએ કે સંસદ સત્રના છેલ્લા દિવસે સરકારે આઈપીસી કાયદામાં ફેરફાર કરવા માટે એક મહત્વપૂર્ણ બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. આ ઉપરાંત બીજા અનેક પ્રસંગોએ ભાજપે સાંસદોને વ્હીપ જારી કર્યો છે.
સરકાર કુલ 4 મહત્વપૂર્ણ બિલ રજૂ કરી શકે છે
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આ વિશેષ સત્ર દરમિયાન લોકસભામાં પોસ્ટ ઓફિસ બિલ અને ચૂંટણી કમિશનરની નિમણૂક માટેનું સંશોધન બિલ રજૂ કરવા જઈ રહી છે. કુલ 4 બિલ રજૂ કરવામાં આવશે, જેમાં ચૂંટણી પંચ બિલ સૌથી મહત્ત્વનું છે. તમને જણાવી દઈએ કે જો ચૂંટણી પંચ બિલ લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થઈ જશે તો ચૂંટણી કમિશનરની નિમણૂકમાં CJIની દખલગીરી સમાપ્ત થઈ જશે.
ગૃહમાં રહીને સરકારને સમર્થન આપવા સૂચના
ભાજપે પોતાના લોકસભા સાંસદોને સંસદના વિશેષ સત્રમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. ત્રણ લીટીનો વ્હીપ જારી કરીને, સરકારે કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ કાયદાકીય કામકાજ અંગે ચર્ચા કરવા અને પસાર કરવા માટે સાંસદોને ગૃહમાં હાજર રહેવા જણાવ્યું હતું. પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા વ્હીપમાં કહેવામાં આવ્યું હતું કે તમામ સાંસદોએ ફરજીયાતપણે ગૃહમાં રહેવું જોઈએ અને સરકારના વલણને સમર્થન આપવું જોઈએ.
સરકાર CECની નિમણૂકમાં CJIની દખલગીરી ખતમ કરવા માંગે છે
આ સુધારા બિલ દ્વારા સરકાર ચૂંટણી કમિશનરની નિમણૂકમાં સુપ્રીમ કોર્ટની દખલગીરી ખતમ કરવા માંગે છે. નવી સિસ્ટમ હેઠળ, મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરતી પેનલમાં રહેશે નહીં. ચૂંટણી કમિશનરની નિમણૂક સંબંધિત બિલની કલમ 7માં કહેવામાં આવ્યું છે કે આ માટે એક સમિતિની રચના કરવામાં આવશે.
આ સમિતિમાં પીએમ, તેમના દ્વારા નામાંકિત કેન્દ્રીય મંત્રી અને વિરોધ પક્ષના નેતાનો સમાવેશ થશે. આને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે હવે ચીફ જસ્ટિસને આ કમિટીમાંથી બહાર રાખવામાં આવશે. આ સિવાય એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય મંત્રી અને પીએમ મળીને કોઈપણ નિમણૂકને મંજૂરી આપશે.