સુરતના નવા મેયર તરીકે દક્ષેશ માવાણીની પસંદગી : ચાર પદમાંથી એક પર પણ સુરતી નહિં
રાજ્યની આર્થિક રાજધાની સુરત શહેરના નવા મેયર તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા અંતે દક્ષેશ માવાણી પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. આ સિવાય સ્થાયી સમિતિ ચેરમેન તરીકે રાજન પટેલ, દંડક પદે ધર્મેશ વાણિયાવાળા અને ડેપ્યુટી મેયર તરીકે ડો. નરેશ પાટીલની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે મહિલા કોર્પોરેટર શશીકલા ત્રિપાઠીની નિમણૂંક કરવામાં આવી છે. આજે સવારે સુરત મહાનગર પાલિકાની કચેરીમાં વહેલી સવારથી જ કોર્પોરેટરોમાં નવા પદાધિકારીઓની જાહેરાતને પગલે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અલબત્ત, વધુ એક વખત ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાઈ રહેલા નામો પર પૂર્ણ વિરામ મુકવાની સાથે નવા નામોની જાહેરાત કરતાં મોટા ભાગના કોર્પોરેટરો પણ ચોંકી ઉઠ્યા હતા. આજે મેયર અને ડેપ્યુટી મેયર સહિતના નવા પદાધિકારીઓના નામોની જાહેરાત સાથે જ કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ નામોની જાહેરાત સાથે જ તમામ પદાધિકારીઓને શુભેચ્છા આપવા માટે કોર્પોરેટરોની ભીડ જામી હતી.
ગત રોજ અમદાવાદ અને વડોદરા બાદ આજે સુરત સહિત ભાવનગર અને જામનગર મહાનગર પાલિકામાં નવા પદાધિકારીઓની નિમણૂંક કરવામાં આવી હતી. ગઈકાલે મોડી રાત સુધી ગાંધીનગરમાં પ્રદેશ મોવડી મંડળ દ્વારા સુરત મહાનગર પાલિકાના નવા પદાધિકારીઓના નામ અંગે મનોમંથન કરવામાં આવ્યું હતું અને છેક છેલ્લી ઘડી સુધી મેયર સહિત તમામ પદાધિકારીઓના નામ અંગે ભારે સસ્પેન્સની સ્થિતિ જોવા મળી હતી. બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ સહિતના પદાધિકારીઓના નામને લઈને જે કોર્પોરેટરોની ચર્ચા ચાલી રહી હતી તે નઠારી નિવડી હતી. ભાજપ દ્વારા આજે મનપાની કચેરીમાં તમામ કોર્પોરેટરોની હાજરીમાં એક પછી એક નવા પદાધિકારીઓના નામની જાહેરાત કરતાં જ તમામે તમામ કોર્પોરેટરો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ચર્ચામાં ન હોય તેવા કોર્પોરેટરો પર પ્રદેશ મોવડી મંડળ દ્વારા પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. જેમાં મેયર પદે વોર્ડ નં. 6 (કતારગામ)ના દક્ષેશ કિશોરભાઈ માવાણીની વરણી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નં. 26 (ગોડાદરા – ડિંડોલી) નોર્થના કોર્પોરેટર ડો. નરેન્દ્ર શાંતારામ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ પદે વોર્ડ નં. 9 (રાંદેર – જહાંગીરાબાદ- પાલનપોર)ના કોર્પોરેટર રાજન બકુલચંદ્ર પટેલની નિમણૂંક કરવામાં આવી છે. આ સિવાય શાસક પક્ષના નેતા તરીકે વધુ એક વખત ઉત્તર ભારતીય કોર્પોરેટર શશીકલા ધર્માત્મા ત્રિપાઠીના નામની જાહેરાત કરવામાં આવી છે. શશીકલા ત્રિપાઠી વોર્ડ નં. 27 (ડિંડોલી – સાઉથ)ના કોર્પોરેટર છે. આ સિવાય દંડક પદે વોર્ડ નં. 10 (અડાજણ – પાલ – ઈચ્છાપોર)ના કોર્પોરેટર ધર્મેશ રણજીતલાલ વાણિયાવાલાની નિમણૂંક કરવામાં આવી છે.
મિની ભારત ગણાતા સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે પણ તમામ સમાજને પ્રતિનિધિત્વ મળે રહે તે માટે ખાસ ભાર મુક્યો છે. જેમાં મેયર પદે મુળ સૌરાષ્ટ્રવાસી દક્ષેશ વાણી જ્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુળ સુરતી કોર્પોરેટર જ્યારે ડેપ્યુટી મેયર પદે મુળ મહારાષ્ટ્રીયન કોર્પોરેટરના નામની જાહેરાત કરવામાં આવી છે. જો કે, છેલ્લા એક સપ્તાહથી સુરત મહાનગર પાલિકાના સત્તાનું સુકાન સંભાળવા માટે મોટા ભાગના કોર્પોરેટરો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. છેક છેલ્લી ઘડી સુધી ગોડફાધરો સમક્ષ હોદ્દા માટે લોબિંગ કરનારા મોટા ભાગના કોર્પોરેટરોનું ગણિત આજે ઉંધું પડ્યું હતું. આ સિવાય નો-રિપીટેશનની થિયરીને પગલે પણ અત્યાર સુધી અન્ય સમિતિઓમાં હોદ્દા ભોગવી ચુકેલા કોર્પોરેટરોની પણ ચાવીરૂપ હોદ્દા પર પસંદગી ન થતાં આશ્ચર્ય ફેલાઈ ગયું હતું.
સ્થાયી સમિતિના સભ્યોમાં મહિલા કોર્પોરેટરોનું વર્ચસ્વ
દેશભરમાં આર્થિક વિકાસમાં અવ્વલ નંબરે આવતાં સુરત મહાનગર પાલિકાની સૌથી મહત્વપૂર્ણ સ્થાયી સમિતિમાં આ વખતે મહિલાઓનું વર્ચસ્વ જોવા મળશે. સ્થાયી સમિતિનું સુકાન સંભાળનાર રાજન પટેલની ટીમમાં સાત મહિલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી વોર્ડ નં. 21ના ડિંપલ ચેતન કાપડીયા, વોર્ડ નં. 21ના જ સુમન ગેડિયા, વોર્ડ નં. 23ના ગીતા તેજસ રબારી, વોર્ડ નં. 20ના આરતી સતીષ વાઘેલા, વોર્ડ નં. 27ના નિરાલાબેન હરકેશ સિંગ રાજપુત, વોર્ડ નં. 26ના અલકા અનિલ પાટીલ અને વોર્ડ નં. 1ના ભાવિશા ભાવિન પટેલની સ્થાયી સમિતિમાં નિમણૂંક કરવામાં આવી છે. આ સિવાય અન્ય સભ્યોમાં વોર્ડ નં. 23ના દિનાનાથ મહાજન, વોર્ડ નં. 14ના નરેશ ધામેલિયા, વોર્ડ નં. 6ના ઘનશ્યામ સવાણી અને વોર્ડ નં. 8ના જીતેન્દ્ર નટુભાઈ સોલંકીના નામની જાહેરાત કરવામાં આવી છે.
પોલ ઓન ડિમાન્ડઃ
સુરત મહાનગર પાલિકામાં વધુ એક વખત પક્ષપલ્ટુ કોર્પોરેટરોની હાલત કફોડી થવા પામી હતી. મેયર સહિતના નવા પદાધિકારીઓની નિમણૂંક મુદ્દે વિરોધ પક્ષના નેતા દ્વારા મેયર અને ડેપ્યુટી મેયર સહિત સ્થાયી સમિતિના ત્રણ સભ્યો મોટા સુધારાની દરખાસ્ત મુકવામાં આવી હતી. જેને પગલે ભારે મથામણ વચ્ચે અંતે વોટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પક્ષ દ્વારા રજુ કરવામાં આવેલા ઉમેદવારોની નિશ્ચિત હાર વચ્ચે પણ આપ છોડીને ભાજપમાં જોડાયેલા પક્ષપલ્ટુ કોર્પોરેટરોએ નાછૂટકે આપના વ્હીપ પર વોટિંગ કરવાની ફરજ પડી હતી.
વિરોધ પક્ષના નેતા દ્વારા આજે મેયર તરીકે ધર્મેન્દ્ર વાવલીયા, ડેપ્યુટી મેયર તરીકે નિરાલી પટેલ અને સ્થાયી સમિતિ માટે કનુ ગેડિયા, મહેશ અણધડ અને વિપુલ સુહાગિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, આપને અલવિદા કહીને ભાજપમાં જોડાયેલા ધર્મેન્દ્ર વાવલિયા અને નિરાલી પટેલ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. અલબત્ત, આમ આદમી પાર્ટી દ્વારા પોલ ઓન ડિમાન્ડની માંગ કરતાં નાછૂટકે આ ત્રણેય હોદ્દાઓ માટે વોટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જેમાં પક્ષપલ્ટુ કોર્પોરેટરોએ કમને પણ આપની તરફેણમાં વોટિંગ કર્યું હતું. જેને પગલે આપ દ્વારા રજુ કરવામાં આવેલા નામોમાં તરફેણમાં 23 અને વિરૂદ્ધમાં 91 વોટ પડ્યા હતા. જ્યારે આપના કોર્પોરેટર કનુ ગેડિયા ગેરહાજર રહ્યા હતા.