આકરા ઉનાળાની શરૂઆત વચ્ચે શહેરમાં વાદળોની સંતાકૂકડી સાથે છુટોછવાયો વરસાદ
સુરત શહેર – જિલ્લામાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે લિંબાયત સહિતના વિસ્તારોમાં છુટ્ટાછવાયા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. છેલ્લા બે દિવસથી કાળઝાળ ગરમીમાં શેકાઈ રહેલા શહેરીજનોએ આજે બદલાયેલા વાતાવરણને પગલે હાશકારો અનુભવ્યો હતો.
હવામાન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આજે સવારથી જ શહેરમાં વાદળોની સંતાકુકડીને પગલે તાપમાનનો પારો ગગડ્યો હતો. વાદળોની હાજરીને પગલે ગરમીથી એક તરફ શહેરીજનોને રાહત મળી હતી ત્યારે બીજી તરફ બપોર સુધીમાં તો શહેરના લિંબાયત, ડિંડોલી, સારોલી, કુંભારિયા, પુણા સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાંપટાને પગલે વાતાવરણ ખુશનુમાન બની જવા પામ્યું હતું. ગઈકાલે જ સુરત શહેરમાં તાપમાનનો પારો 39 ડિગ્રીએ પહોંચતાં વાહન ચાલકો અને રાહદારીઓ રીતસરના પરસેવે રેબઝેબ નજરે પડતાં હતા ત્યારે આજે વાતાવરણમાં આવેલા અચાનક પલ્ટાંને કારણે લોકોને એકંદરે ગરમીથી છુટકારો મળ્યો હતો. છેલ્લા બે – ચાર દિવસથી સતત વધી રહેલી ગરમીને કારણે બપોરના સુમારે શહેરના રસ્તાઓ પર પણ સ્વયંભૂ કર્ફ્યૂના દ્રશ્યો જોવા મળતા હતા.