મૈં ઝુકેગા નહિં : રાહુલ ગાંધીએ કોર્ટમાં માફી માંગવાનો કર્યો હતો સ્પષ્ટ ઇન્કાર

0

સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજાના ચુકાદાને પગલે રાજકીય ભૂકંપ આવ્યો છે. ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજાને પગલે રાહુલ ગાંધીએ સાંસદ તરીકેનું પદ પણ ગુમાવવું પડ્યું છે ત્યારે હવે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ અને રાહુલ ગાંધીના જામીનદાર હસમુખ દેસાઈ દ્વારા નવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. તેઓએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, કોર્ટમાં ચુકાદા પૂર્વે એરપોર્ટ ખાતે રાહુલ ગાંધીને કોંગ્રેસના અગ્રણી નેતાઓ દ્વારા માફી માંગવા અંગે સમજાવવામાં આવ્યા હતા. જો કે, રાહુલ ગાંધી આ મુદ્દે તટસ્થ રહ્યા હતા અને માફી માંગવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.

સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ અને રાહુલ ગાંધીના જામીનદાર હસમુખ પટેલનો વીડિયો આજે સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. હસમુખ ગાંધી દ્વારા વીડિયોમાં જણાવવામાં આવી રહ્યું છે કે, ચુકાદા પૂર્વે સુરત પહોંચેલા રાહુલ ગાંધીને એરપોર્ટ ખાતે પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નેતાઓ દ્વારા માફી માંગવા માટે જણાવવામાં આવ્યું હતું. કોંગ્રેસી નેતાઓએ રાહુલ ગાંધીને કહ્યું હતું કે, કોર્ટનો ચુકાદો ગમે તેની તરફેણમાં આવી શકે છે પરંતુ જો તેઓ માફી માંગે તો તે તેમના હિતમાં રહેશે. અલબત્ત, રાહુલ ગાંધીએ આ મુદ્દે સ્પષ્ટ શબ્દોમાં માફી માંગવાનો ઈન્કાર કરી દીધો હતો. રાહુલ ગાંધીએ આ અંગે જણાવ્યું હતું કે, તેઓ દેશ માટે લડતા રહ્યા છે અને હજી પણ લડતાં રહેશે. કોઈ સમાજની લાગણી દુભાય તેવી વાત તેઓએ કરી જ નથી. દેશના કોઈપણ સમાજ સામે મારો કોઈ વિરોધ નથી તેમ જણાવતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશને લૂંટનારાઓ સામે મારી લડત યથાવત રહેશે અને તેના માટે મારે જે કંઈપણ પરિણામ ભોગવવા પડે તે માટે હું તૈયાર છું.
23મી માર્ચના રોજ વહેલી સવારે નવી દિલ્હીથી સુરત એરપોર્ટ પર પહોંચેલા રાહુલ ગાંધીનું સુરત શહેરથી માંડીને પ્રદેશ કોંગ્રેસના સેંકડો નેતાઓ – કાર્યકરો દ્વારા એરપોર્ટ ખાતે ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એરપોર્ટ ખાતે જ કોંગ્રેસના કેટલાક આગેવાનો દ્વારા રાહુલ ગાંધીને કોર્ટના સંભવિત ચુકાદા અંગે જણાવતાં કહેવામાં આવ્યું હતું કે, આ મુદ્દે જો તેઓએ માફી માંગી લેવી જોઈએ. આ મુદ્દે રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં ઈન્કાર કરતાં જણાવ્યું હતું કે, દેશ માટેની તેઓની લડત અવિરત રહેશે. જો કે, કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીમાં રાજકીય ભૂકંપ આવ્યો હતો. ચુકાદાના બીજા જ દિવસે તેઓને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. હવે એક તરફ કોંગ્રેસની લીગલ ટીમ દ્વારા આ ચુકાદા અંગે અભ્યાસ કરીને આગળની કાર્યવાહી અંગેની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે બીજી તરફ રાહુલ ગાંધી દ્વારા જ અદાણીમાં 20 હજાર કરોડની હેરાફેરી સહિતના મુદ્દે પોતાની લડત વધુ ઉગ્ર બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

20થી 25 નેતાઓ હાજર હતાઃ હસમુખ દેસાઈ

23મી માર્ચના રોજ એરપોર્ટ ખાતે રાહુલ ગાંધીનું અભિવાદન કરવા પહોંચેલા અન્ય કોંગ્રેસી નેતાઓની સાથે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયો અંગે તેઓએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના અભિવાદન બાદ તેમની સાથે પ્રદેશ કોંગ્રેસના 20થી 25 નેતાઓ હાજર હતા. જે પૈકી કેટલાક નેતાઓ દ્વારા તેઓને માફી માંગવા અંગે સમજાવવામાં આવ્યા હતા. જો કે, રાહુલ ગાંધી દ્વારા માફી માંગવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ હવે આ મુદ્દે દેશવ્યાપી આંદોલન શરૂ કરશે અને દેશને લૂંટનારાઓ વિરૂદ્ધ અભિયાનને વધુ ઉગ્ર બનાવાશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *