એગ્રીકલ્ચર વીજલાઈનના વીજતારોની ચોરીના રેકેટનો પર્દાફાશ : ૨૬ ગુનાના ભેદ ઉકેલાયા, જાણો કેવી રીતે સમગ્ર રેકેટ ચાલતું હતું
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એગ્રીકલ્ચર વીજલાઈનના વીજતારોની ચોરી કરી તરખાટ મચાવતી ગેંગના મુખ્ય સુત્રધાર તેમજ ચોરીના મુદામાલ ખરીદનાર રીસીવર સહીત ૭ આરોપીઓને સુરત જિલ્લા એલસીબી પોલીસે પાડી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી ૨૩.૨૨ લાખનો મુદામાલ કબજે કર્યો છે અને ૨૬ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે
સુરત જિલ્લા એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન માહિતી મળી હતી કે બારડોલી તથા પલસાણા તાલુકાના ખેતરાડી વિસ્તારોમાંથી વીજ કંપનીના એગ્રીકલ્ચર લાઈનના વીજ તારની તાજેતરમાં જે ચોરી થઇ છે તે ચોરીમાં ગયેલા વીજ તારનો જત્થો રતન ઉર્ફે ફતેસિંગ રાજપૂતએ તેનગામની હદમાં સગુન રેસીડેન્સીમાં દેવનારાયણ કોમ્પ્લેક્સમાં આવેલા પોતાના ભંગારની દુકાનમાં છુપાવી રાખ્યો છે. અને ત્યાંથી સગેવગે કરવાની પેરવીમાં છે. માહિતીના આધારે સુરત જિલ્લા એલસીબી પોલીસે અલગ અલગ ટીમ બનાવી ત્યાં દરોડો પાડ્યો હતો
પોલીસે અહીંથી રતન ઉર્ફે ફતેસિંગ સોહનસિંગ રાજપૂતને વીજતારના જત્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા તમામ ચોરીનો વીજતારનો જત્થો સમીર નવસાદ શેખએ તેના સાગરીતો સાથે ચોરી કરી લાવી વેચાણ માટે આપ્યો હોવાનું અને અન્ય ચોરીના વિજતારનો જત્થો તેઓના ગોડાઉન પર છુપાવ્યો હોવાનું બહાર આવ્યું હતું
જેથી પોલીસે આરોપીને સાથે રાખી બારાસડીગામની હદમાં માનુ હ્ન્યુડાઈ શો રૂમની સામે સમીર નવસાદ શેખના ભંગારના ગોડાઉન ઉપર પણ દરોડો પાડ્યો હતો પોલીસે અહીંથી વીજતારની ચોરી કરાવનાર મુખ્ય સુત્રધાર સમીર નવસાદ શેખ તથા તેના સાગરીતોને ચોરી કરેલા વીજ તારનો જત્થો કારમાં ભરી સગેવગે કરતા ઝડપી પાડ્યા હતા અને ગોડાઉનમાં તપાસ કરતા મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિક વીજ તારનો ચોરીનો મુદામાલ મળી આવતા જપ્ત કરવામાં આવ્યો હતો
વધુમાં આરોપીની પૂછપરછમાં આ ચોરી કરેલો માલ રતન ઉર્ફે ફતેસિંગ રાજપૂત તથા બારડોલી આશિયાના નગરમાં મદનલાલ તુલશીરામને આપેલ હોય અને જે બને ભંગારના વેપારીઓએ ચોરીના વીજ વાયરનો જત્થો કીમ, લીમોદ્રા ખાતે એલ્યુમીનીયમ ગાળવાની રામા એલ્યુમિનિયમ ફેક્ટરી ચલાવતા મેઘજીભાઈ નામના ઈસમને વેચાણ આપેલ હોવાની કબુલાત કરી હતી જે આધારે પોલીસે કીમ લીમોદ્રાગામની હદમાં રામા એલ્યુમીનીયમ ફેક્ટરીમાં પણ દરોડો પાડી ત્યાંથી પણ વીજતાર તથા વીજતાર ઓગાળી નાખેલો માતબર જત્થો મળી આવતા તમામ મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો
કોણ કોણ પકડાયું
વીજતારની ચોરી કરાવનાર મુખ્ય સુત્રધાર
૧] સમીર નવસાદ શેખ [ઉ.૧૯, ધંધો ભંગારનો, રહે, બાબેન, બારડોલી જી.સુરત]
વીજ તારની ચોરી કરનાર
૧] ઈબ્રાહીમ બફાતી રાઈન [ઉ.૨૫, ધંધો, વેપાર, રહે, ગંગાધરા ગામ, તા.પલસાણા, જી.સુરત]
૨] મોહમદ યુસુફ તફસીલ રાઈન [ઉ.૨૬, ધંધો વેપાર. રહે, ગંગાધરા ગામ, તા.પલસાણા, જી.સુરત]
૩] તાલીમ નઈમ રાઈન [ઉ.૨૨, ધંધો, મજુરી, રહે, રહે, ગંગાધરા ગામ, તા.પલસાણા, જી.સુરત]
૪] ઈરસાદ રજબઅલી રાઈન [ઉ.૧૯, ધંધો- મજુરી, રહે.ગંગાધરા ગામ, તા.પલસાણા, જી.સુરત]
ચોરીનો વીજતારનો જત્થો ખરીદનાર રીસીવર
૧] રતન ઉર્ફે ફતેસિંગ સોહનસિંગ રાજપૂત [ઉ.૪૮, ધંધો, વાંસણનો ભંગાર, રહે. તેનગામ, તા.બારડોલી, જી.સુરત]
૨] મદનલાલ તુલસીરામજી પુરોહિત [ઉ.૩૪, ધંધો ભંગારનો, રહે, બાબેનગામ, બારડોલી]
પોલીસે કબજે કરેલો મુદામાલ
આ ઘટનામાં પોલીસે રતન ઉર્ફે ફતેસિંગ રાજપૂતના ભંગારના દુકાનમાંથી ૧.૬૫ લાખની કિમતનો ૭૫૩.૧૦૦ કિલોગ્રામ એલ્યુમિનિયમ વીજતારનો જત્થો, સમીર નવસાદ શેખના ભંગારના ગોડાઉનમાંથી ૩.૩૬ લાખનો ૧૫૨૮ કિલોગ્રામ એલ્યુમિનિયમ વીજતારનો જત્થો, રામા એલ્યુમિનિયમ ફેક્ટરીમાં વીજતાર ઓગાળી બનાવેલા એલ્યુમિનિયમના ગોળાકાર ૬૬૦૦ કિલોગ્રામ ગઠ્ઠા, એક બાઈક, એક ફોરવ્હીલ, ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલા લોખંડના કટર – ૦૪ નંગ, ૬ મોબાઈલ ફોન મળી કુલ ૨૩.૨૨ લાખનો મુદામાલ કબજે કર્યો હતો
૨૬ ગુનાના ભેદ ઉકેલાયા
પોલીસ તપાસમાં પલસાણા, બારડોલી રૂરલ, બારડોલી ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલા ૨૬ ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા તેમજ આ સિવાય પણ આરોપીઓ દ્વારા અગાઉ પણ નાની મોટી ચોરીઓ કરેલ હોવાની કબુલાત કરી છે જે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે
આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
પોલીસ તપાસમાં આરોપી તાલીમ નઈમ વિરુદ્ધ ભૂતકાળમાં યુપીના રાણીગંજ પોલીસ મથકમાં એક ગુનો, આરોપી રીઝવાન ઉર્ફે રઈન વિરુદ્ધ પલસાણા, જયારે આરોપી મદન તુલસીરામ પુરોહિત વિરુદ્ધ માંડવી, કકરાપાર, અંકલેશ્વર સીટી પોલીસ સ્ટેશન મળી ૧૦ ગુના ભૂતકાળમાં નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે
કેવી રીતે સમગ્ર નેટવર્ક ચાલતું હતું
પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલ આરોપીઓ પૈકી મુખ્યસુત્રધાર સમીર નવસાદ શેખના કહેવા મુજબ પકડાયેલ સહઆરોપીઓ તથા વોન્ટેડ સહઆરોપીઓ રાત્રીના સમયે કબ્જે કરેલ એસેન્ટ કાર લઈ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમા પસાર થી એગ્રીકલ્ચર વીજલાઈન મા ઉપયોગ કરવામા આવેલ એલ્યુમીનીયમના વીજતાર ચોરી કરવા જતા અને રાત્રીના સમયે વીજતાર કાપી ચોરી કરી, સમીર શેખના ગોડાઉન ઉપર લઈ આવતા સમીર શેખ ભંગારનો વેપાર કરનાર પકડાયેલ સહઆરોપીઓ રતન ઉર્ફે ફતેસિંગ રાજપુત તથા મદનલાલ તુલશીરામ રાજપુરોહીત નાને વેચાણ આપી દેતા હતા અને જેઓ બન્ને કીમ નજીક લીમોદ્રાગામની હદમા આવેલ રામા એલ્યુમીનીયમ ગાળવાની ફેકટરી ચલાવનાર મેઘજીભાઈને આપતા હતા, જેથી આ રામા એલ્યુમીનીય ફેક્ટરીના માલીક પોતાની ફેકટ્રીમા એલ્યુમીનીયમ ગાળવાની ભઠ્ઠીમા વીજતારનો જથ્થો ઓગાળી નાખી તેમાથી અન્ય એલ્યુમીનીયમ સ્પેરપાર્ટ (સેક્શન) બનાવી દેતા હતા.અને આ રીતે સમગ્ર નેટવર્ક ચલાવતા હતા