સુરતમાં પણ પુષ્પા રાજ ! ગાંધીબાગમાં ફરી એકવાર થઇ ચંદનના લાકડાની ચોરી
સુરત મહાનગરપાલિકાના સૌથી જૂના ગાંધી બાગમાં (Gandhi Baug) બે વર્ષ પહેલા ચંદનના બે વૃક્ષોની ચોરીની ઘટના હજુ પણ લોકો ભૂલી શક્યા નથી. ગુરુવારે રાત્રે ફરી આ જ પ્રકારે ચંદન ચોરોએ ત્રીજું ઝાડ કાપીને લઈ ગયા હતા. સુરત મહાનગરપાલિકાની નબળી સુરક્ષા વ્યવસ્થાને કારણે ગાંધીબાગમાંથી ચંદનની ચોરી અવાર-નવાર પ્રકાશમાં આવતી રહે છે. એટલું જ નહીં, ચોરોએ બગીચાના ગેટની સામે જ ચંદનનું ઝાડ ઈલેક્ટ્રીક કટર વડે કાપી નાખ્યું, પરંતુ સિક્યુરિટીના ધ્યાને પણ ન આવ્યું. જેના કારણે પાલિકાની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થયા છે.
સુરતના ઐતિહાસિક ગાંધીબાગમાં સતત ચંદનની ચોરીની ઘટના ગંભીર હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. ગુરુવારે રાત્રે ફરી એકવાર વીરપ્પન અને પુષ્પા સ્ટાઈલમાં ત્રણ ચંદનના વૃક્ષોની ચોરી થઈ હતી. ગાંધીબાગમાં સુરક્ષા અને સીસીટીવી કેમેરા વચ્ચે ચોરીની ઘટનાએ ફરી એકવાર પાલિકાની સુરક્ષા એજન્સીની નબળી વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.
ગાંધીબાગ એ સુરતનું સૌથી જૂનું અને ઐતિહાસિક સ્મારક છે જે બ્રિટિશ કાળનો બગીચો છે. જ્યાંથી ચંદનના વૃક્ષની ચોરી એ ગંભીર બાબત કહી શકાય. આ ચોરી પરથી કહી શકાય કે ચંદન ચોરોને ફસાવવા માટે પાલિકા દ્વારા આ વૃક્ષ ઉભું કરવામાં આવ્યું હતું. સુરતના વિરપ્પન અને પુષ્પા જેવા ચોરો ચંદન ચોરી કરે છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. એમ કહી શકાય કે સુરતના ચંદન ચોરો આધુનિક બની ગયા છે અને વૃક્ષો કાપવા માટે પણ ઇલેક્ટ્રિક કટરનો ઉપયોગ કરે છે.
શહેરમાં હજારો સીસીટીવી કેમેરા લગાવનાર સુરત મહાનગરપાલિકા આ ચંદન ચોરોને પકડવા માટે આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. રાત્રિના સમયે ચંદનના ત્રણ વૃક્ષોની ચોરી થઈ હતી. બે વર્ષ પહેલા જાન્યુઆરી માસમાં ચંદનના બે વૃક્ષોની ચોરી થઈ હતી જે બાદ વધુ એક વૃક્ષની ચોરી થઈ છે. હવે ગાંધીબાગમાં ચંદનના આઠ જેટલા વૃક્ષો બચ્યા છે, જો મહાનગરપાલિકાનું સુરક્ષા તંત્ર આમ જ ઊંઘતું રહેશે તો ગાંધીબાગમાં ચંદનનું એક પણ વૃક્ષ સુરક્ષિત નહીં રહે તેમ કહી શકાય.