છેડતીની સજા : 9 વર્ષની બાળકી સાથે અડપલાં કરનારને સાત વર્ષની કેદ ફટકારતી સુરત કોર્ટ
ગોડાદરા(Godadara) વિસ્તારમાં 9 વર્ષની બાળકીની છેડતી આરોપીને કોર્ટે (Court) કસુરવાર ઠેરવી સાત વર્ષની કેદની સજા(Punishment) અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કેસની વિગત એવી છે કે ગોડાદરા વિસ્તારમાં મૂળ મધ્યપ્રદેશનો શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારમાં પતિપત્ની ઉપરાંત ત્રણ સંતાન છે. તેમાં સૌથી મોટી દીકરી 9 વર્ષિય રીનુ (નામ બદલ્યું છે) વતનમાં ધોરણ-૩માં અભ્યાસ કરતી હતી. 2018માં રીનુ સુરત ખાતે રહેતા માતાપિતા સાથે રહેવા આવી હતી. આરોપી પ્રેમચંદ મંડલ શ્રમજીવી પરિવારના બાજુમાં રૂમમાં રહે છે. શ્રમજીવી પરિવારના ઘરે ગઈ 16 માર્ચ 2018ના રોજ સવારે આરોપી પ્રેમચંદ ટુપલાલ (28 વર્ષ) આવ્યો હતો.
તેને રીનુની માતાને જણાવ્યું હતું કે રીનુને મારી સાથે મોકલો મારો પંખો બગડી ગયો છે, પંખો રિપેરીંગ કરાવવા જવાનું છે. બાદમાં રીનુને આરોપી પ્રેમચંદ મોપેડ ઉપર બેસાડી લઈને ગયો હતો. ત્યારબાદ એકાદ કલાક પછી આરોપી પ્રેમચંદ રીનુને લઈને પરત ઘરે આવ્યો હતો. ઘરે આવેલી પીડિતાએ તેણી માતાને જણાવ્યું હતું કે મમ્મી અંકલ મને દુકાનેથી પંખો રિપેરીંગ કરી તેની ગાડી પર બેસાડી ખેતર તરફ જતા કાચા રોડ ઉપર લઈ ગયા હતા. જ્યાં તેમણે ગાડી ઉભી રાખી મને ગાડી ઉપર બેસાડી મારા ગાલ પર ચુંબન કર્યું હતું તેમજ શરીર ઉપર હાથ ફેરવી શારીરિક અડપલાં કર્યા હતા.