ટ્રાવેલ્સ સંચાલકો અને દબંગ ધારાસભ્ય કાનાણી વચ્ચે ઘર્ષણના એંધાણ : આજથી ખાનગી બસો સુરતમાં પ્રવેશે નહીં
શહેરના(Surat) લક્ઝરી બસ ઓપરેટર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત શહેરમાં 21મી ફેબ્રુઆરીથી એક પણ ખાનગી બસ(Bus) પ્રવેશશે નહીં અને શહેરમાંથી ઉપાડવામાં આવશે નહીંના લેવાયેલા નિર્ણયનો આજથી અમલમાં કરી તમામ ખાનગી બસો વાલક પાટિયા પાસેથી પ્રવાસીઓને લેશે જેથી આવતા અને જતા મુસાફરોની હાલાકી બેવડાઇ શકે છે.
લક્ઝરી બસ ઓપરેટર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિનેશ અણઘણના જણાવ્યા મુજબ, પોલીસ કમિશનરે જાહેર કરેલા જાહે૨નામા મુજબ આજથી અમલીકરણ કરવા માટેનો નિર્ણય લઇ લીધો છે. તેમણે કહ્યું કે, વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ થોડા દિવસો પહેલાં સુરત શહેરમાં ખાનગી બસો પ્રવેશતી હોવા અંગેનો પોલીસને પત્ર લખ્યો હતો. જેના ટ્રાવેલ્સ સંચાલકોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અમોએ અમારા તમામ બુકીંગ કરનારાઓને સૂચના આપી દીધી છે અને 150 જણાએ એકસાથે જણાવી દીધું છે. તેમના વધુમાં જણાવ્યા મુજબ, ખાનગી બસો રાત્રે 11 વાગ્યા સુધીમાં મુસાફરોને કલેક્ટ કરીને શહેરમાંથી નીકળી જતી હતી. હવે વાલક પાટિયાથી તમામ બસો મુસાફરોને લેશે. સુરત શહેરમાં આવતા મુસાફરોને તમામ ખાનગી લક્ઝરી બસો વાલક પાટિયા ઊતારી દેશે જેનો આજથા અમલ કરી દેવામાં આવ્યો છે.
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા પ્રયાસ
એસોસિએશનના પ્રમુખ દિનેશ અણઘણે કહ્યું કે, ધારાસભ્ય કુમાર કાનાણી લોકહિતની વાત કરતા હોય તો 15 વર્ષથી ખાનગી બસો શહેરમાંથી લક્ઝરી બસો રાત્રે 10 વાગ્યાથી દોઢ કલાકમાં મુસાફરો લઇને નીકળી જતા હતા. લોકહિતની વાત કરનાર કાનાણીને શહેરમાં લારી-ગલ્લાઓના ગેરકાયદે દબાણથી ટ્રાફિક ન્યુસન્સ દેખાતું નથી. લોકહિતની વાત કરતા હોય તો શહેરમાં દારૂ, જુગાર, અફીણ, ગાંજો ખુલ્લેઆમ વેચાય છે તે કેમ દેખાતું નથી? તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. તેઓ માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે જ આ કરી રહ્યા છે અને ખાનગી લક્ઝરી બસ સંચાલકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. હવે આ મુદ્દે ટ્રાવેલ્સ સંચાલકો અને ધારાસભ્ય વચ્ચે નવું ઘર્ષણ થવાની શક્યતા જણાઇ રહી છે.