Surat : 17 જેસીબી અને 23 ટ્રેક્ટર સાથે બીજા દિવસે વધુ આઠ રસ્તાઓ માટે 78 હજાર ચો.મી. જમીનનો કબ્જો મેળવ્યો
શહેરની (Surat )અલગ – અલગ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં જાહેર કરવામાં આવેલા રસ્તાઓ(Roads ) પરના દબાણો દૂર કરવાની સાથે કબ્જો લેવા માટે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગઈકાલે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 61 હજાર ચોરસ મીટરના રસ્તાઓનો કબ્જો મેળવ્યા બાદ આજે સતત બીજા દિવસે શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં આઠેક ટીપી સ્કીમના રસ્તાઓનો કબ્જો મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. 17 જેસીબી અને 23 ટ્રેક્ટર સહિત ઉચ્ચાધિકારીઓના કાફલા સાથે શુક્રવારે સવારે વરાછા ઝોન – બી (સરથાણા), અઠવા અને લિંબાયતમાં 45થી 24 મીટર પહોળા રસ્તા પર 40 હજાર ચોરસમીટરનો કબ્જો મેળવવામાં આવ્યો હતો.શુક્રવાર સાંજ સુધીમાં શહેરના અન્ય વિસ્તારોમાંથી પણ કુલ્લે 78 હજાર ચોરસ મીટર રસ્તાનો કબ્જો મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
છેલ્લા ઘણા સમયથી સુરત મહાનગર પાલિકાના તમામ ઝોન વિસ્તારોમાં ટાઊન પ્લાનિંગ સ્કીમ જાહેર થયા બાદ પણ રસ્તાના કબ્જા લેવાની કામગીરી ગોકળગાય ગતિએ આગળ વધી રહી હતી. સતત ટ્રાફિક જામની સમસ્યા વચ્ચે ટીપીના રસ્તાઓ ખુલ્લા ન થતાં શહેરીજનોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ સ્થિતિને ધ્યાને રાખીને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા વિશેષ અભિયાન હેઠળ શહેરભરના ટાઉન પ્લાનિંગ સ્કીમમાં જાહેર કરવામાં આવેલા રસ્તાઓ પરના દબાણો દૂર કરવા સાથે જમીનનો કબ્જો લેવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી. અભિયાનના ભાગરૂપે શુક્રવારે સતત બીજા દિવસે કતારગામ, વરાછા, સરથાણા, લિંબાયત, અઠવા, ઉધના અને ઉધના ઝોન- બી સહિત રાંદેરમાં આવેલ અલગ – અલગ ટાઉન પ્લાનિંગમાં સમાવિષ્ટ 18થી 45 મીટરની પહોળાઈ ધરાવતાં રસ્તાઓ માટે 78 હજાર ચોરસ મીટર જમીનનો કબ્જો મેળવવામાં આવ્યો હતો.
શુક્રવારે સવારથી શહેરના સરથાણા ઝોનમાં પ્રિલીમીનરી ટીપી 85માં 90 મીટરના રિંગરોડથી સ્વામીનારાયણ તરફ જતા રસ્તા પર 13 હજાર ચો.મી.થી વધુની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ રીતે જ લિંબાયતમાં ડ્રાફ્ ટીપી 68માં સમાવિષ્ટ માનસરોવર સોસાયટીની પાસે 45 મીટર રસ્તા માટે 4300 ચોરસ મીટર અને અઠવા ઝોનમાં ડુમસ રોડથી ડુમસ ગામ તરફ જતાં રસ્તા પર 24 હજાર ચોરસ મીટર જમીનનો કબ્જો મેળવવામાં આવ્યો હતો.શુક્રવારે સાંજ સુધીમાં શહેરના આઠ ઝોન વિસ્તારોમાં મળીને કુલ્લે 78 હજાર ચોરસ મીટર જમીનનો કબ્જો મેળવવા માટે મનપાના વહીવટી તંત્ર દ્વારા સવારથી યુદ્ધસ્તરે કામગીરી શરૂ કરવામાં આવી છે.