તાપી નદી પાસે ગેરકાયદે રેતી ખનન કરતા રેતીમાફિયાઓની 7 બોટ પોલીસે JCBની મદદથી તોડી નાંખી
સુરત(Surat) જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી દ્વારા અમરોલી (Amroli) બ્રિજ નીચે ગેરકાયદે ચાલી રહેલી રેતી ખનનની પ્રવૃતિ અંગે ફરિયાદ (Complaint) થયા બાદ આજે તપાસ હાથ ધરાતા ભુસ્તર વિભાગે ગેરકાયદે રીતે ખનન કરતી ફાયર બોર્ડ-કોટિયા તથા જેસીબી ઝડપી પાડીને 15 લાખથી વધુનો મુદામાલ સીઝ કર્યો હતો. જો કે આ દરોડા દરમિયાન રેતી ચોરો ફરાર થવામાં સફર રહ્યા હતા.
અમરોલી તાપી બ્રિજ નીચે ગેરકાયદે રીતે રેતી ખનન કરવામાં આવતું હોવાની ફરિયાદ ભૂસ્તરશાસ્ત્રી ડી. કે. પટેલને મળી હતી ફરિયાદ અનુસંધાને ભૂસ્તર વિભાગ દ્વારા તપાસ હાથ ધરાતા ફરિયાદવાળી જગ્યા પર સાત ફાઈબર બોટ, કોટિયા તથા જેસીબી મશીન મારફતે ગેરકાયદે રેતી ખનનની પ્રવૃતિ મળી આવતા ભૂસ્તર વિભાગ દ્વારા 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કર્યો હતો.
જો કે આ દરોડા દરમિયાન ગેરકાયદે રેતી ખનન કરતા ઈસમો ઘટના સ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યા હતા. દરોડા દરમિયાન ભૂસ્તર વિભાગની કચેરીના હિતેશ પટેલ, અંકિત પરમાર અને ભાવેશ પરમાર દ્વારા કામગીરી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમરોલી પોલીસે લાંબા સમયથી ગેરકાયદે રેતી ખનનની કામગીરી ચાલી રહી હતી. જેની ફરિયાદ બાદ ભૂસ્તર વિભાગ એકશનમાં આવ્યું હતું. જો કે આ ગેરકાયદે રેતી ખનન બાબતે પોલીસ વિભાગ દ્વારા આંખ મીચામણા કરવામાં આવતું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું.