PM Modi 28 જુલાઈએ “સેમિકોન ઇન્ડિયા 2023” નું કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) 28 જુલાઈના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સેમિકોન ઈન્ડિયા 2023’નું ઉદ્ઘાટન કરશે. ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) મંત્રાલય દ્વારા સેમિકન્ડક્ટર ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે તેનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર ઉપસ્થિત રહેશે. તેમજ અગ્રણી સેમિકન્ડક્ટર ઉદ્યોગોના વડાઓ પણ હાજરી આપશે.
ત્રણ દિવસીય આ કાર્યક્રમમાં વિશ્વભરના સેમિકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન અને એસેમ્બલીના ક્ષેત્રના અનુભવી નિષ્ણાતો ભારતમાં આ ક્ષેત્રમાં નવી તકો વિશે તેમના મંતવ્યો શેર કરશે. આ એક રાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટ છે, જેમાં ભાગ લેવાથી સેમિકન્ડક્ટર ઉદ્યોગને નેટવર્કિંગ, ટેક્નોલોજી એક્સપોઝર અને બિઝનેસની તકોનો લાભ મળશે.
સેમિકોન ઈન્ડિયા ભારત અને ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25મી જુલાઇથી સામાન્ય જનતા માટે ખુલ્લુ મુકવામાં આવનાર ખાસ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. 30 જુલાઈ સુધી ચાલનારા આ પ્રદર્શનમાં લોકોને સેમિકન્ડક્ટરની ઉત્પાદન પ્રક્રિયા અને આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ વિશે માહિતગાર કરવામાં આવશે. તે સેમિકન્ડક્ટર ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતી અત્યાધુનિક ટેક્નોલોજી અને નવીનતા વિશે વિગતવાર માહિતી પ્રદાન કરશે. સેમીકન્ડક્ટર સેક્ટરમાં ભારતમાં રોકાણની તકો અંગે પ્રેઝન્ટેશન થશે. ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા પેનલ ડિસ્કશન પણ થશે. સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
ગુજરાત સરકારે અમદાવાદ નજીક સાણંદ ખાતે રૂ. 22,500 કરોડનો પ્રોજેક્ટ સ્થાપવા માટે સેમિકન્ડક્ટર ઉત્પાદક માઈક્રોન ટેક્નોલોજી સાથે એમઓયુ કર્યા છે. તાજેતરમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત દરમિયાન, યુએસ પ્રમુખ જો બિડેને માઇક્રોન ટેક્નોલોજી કંપની વતી ભારતમાં સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ, માર્કિંગ અને પેકેજિંગ સુવિધા સ્થાપવાની જાહેરાત કરી હતી.