મેટ્રો કામગીરીથી થતા ટ્રાફિક જામથી લોકોને મળશે આંશિક રાહત : નડતરરૂપ બસ સ્ટેન્ડ દૂર કરાયા
શહેરમાં મેટ્રો (Metro) રેલ પ્રોજેક્ટની પહેલા તબક્કાની કામગીરીને પગલે ઠેર – ઠેર ડાયવર્ઝન(Diversion) અને રસ્તાઓ બ્લોક કરવાને કારણે ટ્રાફિકનું અસહ્ય ભારણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અલથાણથી ભટાર વચ્ચે ચાલી રહેલી મેટ્રોની કામગીરીને કારણે આખે આખો રસ્તો જ બ્લોક કરી દેવામાં આવતાં દિવસ દરમ્યાન વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિમાં સ્થાનિકોની રજુઆતને અંતે મહાનગર પાલિકા દ્વારા ટ્રાફિકમાં નડતર રૂપ બસ સ્ટેન્ડને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પીક અવર્સમાં ટ્રાફિક જામ :
અલથાણથી ભટાર વચ્ચે છેલ્લા દોઢ – બે વર્ષથી મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીને પગલે એક તરફનો આખે આખો રસ્તો બ્લોક કરી દેવામાં આવતાં પીક અવર્સ તો ઠીક આખો દિવસ આ વિસ્તારમાં ઠેર ઠેર ટ્રાફિકને પગલે અરાજકતાના દ્રશ્યો જોવા મળી રહ્યો છે. જેને પગલે અત્યાર સુધી સ્થાનિક કોર્પોરેટરો દ્વારા આ અંગે મગનું નામ મરી પાડવામાં ન આવતાં સ્થાનિકોની હાલત વધુ કફોડી બની હતી.
નડતરરૂપ બસ સ્ટેન્ડ હટાવાયા :
જોકે,માજી વિરોધ પક્ષના નેતા બાબુ કાપડિયા દ્વારા આ વિસ્તારની સમસ્યા અંગે રજુઆત કરતાં જણાવ્યું હતું કે, જો આ રસ્તા પર આવેલ બસ સ્ટેન્ડ દુર કરવામાં આવે તો ટ્રાફિકના ભારણમાં આંશિક રાહત મળી શકે તેમ છે. જેને પગલે નાછૂટકે પાલિકાનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને આજે સવારથી આ વિસ્તારમાં માથાનો દુઃખાવો સાબિત થઈ રહેલા નડતર રૂપ બસ સ્ટેન્ડને દૂર કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને પગલે હવે આગામી દિવસોમાં આ વિસ્તારમાં છાશવારે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યામાંથી વાહન ચાલકોને થોડા અંશે નિશ્ચિતપણે રાહત મળશે.