ઓડિશાના ગંજામમાં ભયાનક બસ અકસ્માતમાં 10ના મોત, આઠ ઘાયલ
ઓડિશાના ગંજમ જિલ્લામાં ગઈકાલે રાત્રે એક ભયાનક બસ અકસ્માત થયો હતો. જેમાં 10 લોકોના મોત અને 8 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલોને MKCG મેડિકલ કોલેજ, બરહામપુરમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંજમ ડીએમ દિવ્યા જ્યોતિ પરિદાએ જણાવ્યું કે બે બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. અમે ઘાયલોને તમામ શક્ય મદદ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
મુખ્યમંત્રી નવીન પટનાયકે બસ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનોને ત્રણ-ત્રણ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કાર્યાલયના એક નિવેદન અનુસાર, સીએમ પટનાયકે ઘાયલોને મફત તબીબી સારવાર આપવાનો આદેશ આપ્યો છે અને તેઓ ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. મુખ્ય પ્રધાને નાણા પ્રધાન વિક્રમ અરુખ અને ગંજમ ડીપીસીસી પ્રમુખ અને ધારાસભ્ય વિક્રમ પાંડાને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જવા અને પીડિતોને મદદ કરવા નિર્દેશ આપ્યો છે.
ખાનગી બસના મુસાફરોને વધુ નુકસાન
માહિતી અનુસાર, દિગપહાંડી પોલીસ સીમા હેઠળ રવિવારે મોડી રાત્રે ઓડિશા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (OSRTC)ની બસ વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી ખાનગી બસ સાથે અથડાઈ હતી. બરહામપુરના એસપી સરવણા વિવેકે જણાવ્યું કે, આ દુર્ઘટના લગભગ સવારે 1 વાગે થઈ હતી. પ્રાથમિક દૃષ્ટિએ બે બસો વચ્ચે સામસામે અથડામણનો મામલો હોવાનું જણાય છે. આ અકસ્માતમાં ખાનગી બસના કેટલાય મુસાફરોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. OSRTC બસમાં સવાર લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી.
અમારી તપાસ ચાલુ છે: પોલીસ
OSRTC બસ રાયગડાથી ભુવનેશ્વર જઈ રહી હતી, જ્યારે ખાનગી બસ જિલ્લાના ખાંડાદેઉલી ગામમાંથી લગ્નની પાર્ટીમાંથી લોકોને લઈને બેરહામપુરથી પરત ફરી રહી હતી, એમ તેઓએ જણાવ્યું હતું. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું. અકસ્માત પાછળનું સાચું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, એમ તેમણે ઉમેર્યું હતું. અમારી તપાસ ચાલુ છે.