હવે વોર્ડમાં કોર્પોરેટરોના નામ કમળની ડિઝાઇનમાં મુકવાનો નવો વિવાદ : વિપક્ષ નેતાએ કરી રજુઆત
સુરત(Surat) મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં શેરી બોર્ડ તથા નંબર પ્લેટ (Plate) મુકવા માટે જુની પદ્ધતિ બદલીને કમળના(Lotus) ચિન્હવાળી ડિઝાઈન લાવવામાં આવતા મનપાના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડારીએ મહાનગરપાલિકાના કમિશનર શાલીની અગ્રવાલને કમળ આકારની ડિઝાઈનના બદલે જુની પદ્ધતિથી ચાલી આવતી ડિઝાઈન જ રાખવાની માગણી કરી હતી.
વિપક્ષના નેતાએ પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે,સાઈનબોર્ડ- શે૨ીબોર્ડની ડીઝાઈન બિનરાજકીય અને લંબચો૨સ રાખવામાં આવે તેમજ કોઈપણ આંટીઘુટીવાળી કે વળાંકવાળી ડિઝાઈન જો બનાવવામાં આવે તો તે દુરથી જોવામાં અને તેની બનાવટના ચાર્જ પણ વધારે લાગતા હોવાથી પાલિકાની તિજોરી પર તેની વિપરીત અસરો પડે છે. મનપા દ્વારા સાઈનબોર્ડ/શે૨ીબોર્ડની ડીઝાઈન ભાજપના ચુંટણી ચિન્હ કમળને અનુરૂપ બનાવી ભાજપના ખોળામાં બેસી તેમના ચુંટણી એજન્ટ બની ગયેલા હોય તેમ જણાઈ રહ્યું છે.
મનપા કમિશનરને લિંબાયત ઝોનમાં પ્લોટના કબજા બાબતે ગેરમાર્ગેદોરીને કોર્ટનો ઠપકો સાંભળવા અને હાજર રહી માફી માંગવા મજબુર કરાયા છે અને હજી પણ ભાજપ ભકિતમાં તલ્લીન સંબંધિત વિભાગના અધિકારીઓદ્વારા કમિશનરને ગેરમાર્ગે દોરી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. બિનરાજકીય ટકાઉ અને વોર્ડના સભ્યોની અનુદાનથી ઉલ્લેખ કરાવી મુળ માહીતી મોટા અક્ષરે લખી શકાય અને ટર્મપુર્ણ થયા બાદ પણ બોર્ડનો ઉપયોગ લાંબાગાળા સુધી કરી શકાય એવું કરકસરયુકત આયોજન કરવામાં આવે તેમ તેઓએ રજુઆતમાં જણાવ્યું હતું.