કાપોદ્રા ડ્રિંક એન્ડ ડ્રાઈવ પ્રકરણમાં નવો ખુલાસો : દારૂ પીને કાર હંકારનાર સાજન પટેલ પાસે લાયસન્સ જ નથી
શહેરના કાપોદ્રામાં દારૂ પીને ત્રણ બાઈક સવાર સહિત છ નાગરિકોને અકસ્માત(Accident) કરનાર સાજન પટેલના કારનામા એક પછી એક બહાર આવી રહ્યા છે. દારૂ પીવાની કુટેવ ધરાવતાં સાજન પટેલ વિરૂદ્ધ અત્યાર સુધી સાત જેટલી ફરિયાદ નોંધાઈ ચુકી છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે, દારૂ પીને જાહેર રસ્તા પર માતેલા સાંઢની જેમ ગાડી દોડાવતાં સાજન પટેલ પાસે કાર ચલાવવાનું લાયસન્સ જ નથી. જેને પગલે હવે પોલીસ દ્વારા કોર્ટમાંથી પરવાનગી મેળવીને તેની વિરૂદ્ધ મોટર વ્હીકલ એક્ટ – 181ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.
ગત રવિવારે મિત્રના પુત્રની બર્થ-ડે પાર્ટીમાંથી દારૂ પીને ઘર તરફ નીકળેલો સાજન પટેલ કાપોદ્રામાં રચના સર્કલ પાસે એક પછી એક છ જણાને અડફેટે લીધા હતા. તમામ ઘાયલોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ દ્વારા સાજન પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજા દિવસે પોલીસે સાજનનો વરઘોડો કાઢીને વાહવાહી મેળવી હતી, પોલીસે સાજનની ધરપકડ કરી વધારે તપાસ કર્યા વગર જ તેને કોર્ટમાં રજૂ કર્યો હતો પરંતુ કોઇ રિમાન્ડ માંગ્યા ન હતા.
રિમાન્ડ ન હોવાને કારણે સાજનને સીધો લાજપોર જેલ મોકલી દેવાયો હતો. આ ઘટનાના બે દિવસ બાદ પોલીસને માહિતી મળી છે કે, સાજનની પાસે ગાડી હંકારવા માટે ડ્રાઇવીંગ લાયસન્સ જ નથી. 27 વર્ષની ઉંમર છતાં તેને હજુ સુધી કાચું કે પાકું ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવ્યું જ નથી. બીજી તરફ પોલીસે સાજનની સામે ડ્રાઇવીંગ લાયસન્સ ન હોવાને કારણે પોલીસે કોર્ટમાંથી પરવાનગી લઈને એમ.વી. એક્ટ-181ની કલમનો ઉમેરો કર્યો હતો.
સાજન પટેલ સામે અત્યાર સુધીમાં કુલ્લે 7 ગુના નોંધાઈ ચુક્યા છે અને હાલમાં અકસ્માત તેમજ ડ્રીંક એન્ડ ડ્રાઇવનો વધુ એક ગુનો નોંધાયો છે. 2020માં પુણા પોલીસે લોકડાઉનમાં બહાર નીકળવાનો ગુનો, મારામારીનો ગુનો, દારૂ પીને કાર હંકારવાનો ગુનો પણ નોંધાયો છે.