અમેરિકાથી હવે ઇજિપ્ત જશે નરેન્દ્ર મોદી : 1000 વર્ષ જૂની મસ્જિદમાં છે આ ખાસ કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) અમેરિકાની મુલાકાત બાદ 24મી જૂનને શનિવારે ઇજિપ્ત(Egypt) જશે. પીએમ મોદીની ઇજિપ્તની મુલાકાત બે દિવસની છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીને મળશે. પીએમ મોદીની આ મુલાકાત ઘણી રીતે ખાસ છે. પીએમ મોદી પ્રથમ વખત ઇજિપ્તની મુલાકાત લેશે. આ સાથે તેઓ ઈજિપ્તની 1000 વર્ષ જૂની મસ્જિદની પણ મુલાકાત લેશે. ત્યાં રહેતા ભારતીય મૂળના લોકોને પણ મળશે. પીએમ મોદી ઇજિપ્તમાં પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન જીવ ગુમાવનારા ભારતીય સૈનિકોને પણ શ્રદ્ધાંજલિ આપશે. 25 જૂને પીએમ મોદીની ઇજિપ્ત મુલાકાતનો છેલ્લો દિવસ હશે. અહીં જાણો PM મોદીની ઇજિપ્ત મુલાકાતની મોટી વાતો-
પીએમ મોદી 24-25 જૂને ઇજિપ્તની મુલાકાતે જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24-25 જૂને ઈજિપ્તની મુલાકાતે જશે. ઇજિપ્તની આ તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. 1997 પછી કોઈ વરિષ્ઠ ભારતીય નેતાની ઇજિપ્તની આ પ્રથમ મુલાકાત હશે. પીએમ મોદી ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીના આમંત્રણ પર ત્યાં જઈ રહ્યા છે. નોંધનીય છે કે આ વર્ષે ભારતના ગણતંત્ર દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી હતા.
મોદી કૈરોમાં ભારતીય સમુદાયને મળશે
PM મોદી 24 જૂને બપોરે કૈરોમાં ભારતીય સમુદાય સાથે મુલાકાત કરશે. ભારતીય સમુદાયો અને અગ્રણી હસ્તીઓ સાથે પણ વાતચીત થશે. પીએમ મોદી પ્રથમ વિશ્વયુદ્ધમાં જીવ ગુમાવનાર ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે હેલીઓપોલિસ કબ્રસ્તાનની પણ મુલાકાત લેશે. તેઓ ઇજિપ્તના રાષ્ટ્રપતિ સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરશે.
PM મોદી અલ હકીમ મસ્જિદની મુલાકાત લેશે
પીએમ મોદી 25 જૂને ઈજિપ્તની મુલાકાત દરમિયાન અલ-હકીમ મસ્જિદની પણ મુલાકાત લેશે. અલ-હકીમ મસ્જિદ લગભગ 1000 વર્ષ જૂની છે. 11મી સદીની આ મસ્જિદનું સમારકામ છેલ્લા છ વર્ષથી ચાલી રહ્યું હતું. જેમાં દાઉદી બોહરા સમાજે મોટી ભૂમિકા ભજવી છે. દાઉદી બોહરા સમુદાયના પીએમ મોદી સાથે ખૂબ જ સૌહાર્દપૂર્ણ સંબંધો છે. પીએમ મોદીએ આ સમુદાયને દેશભક્ત અને શાંતિના સમર્થક ગણાવ્યા છે.
પીએમ મોદીનો દાઉદી બોહરા સમુદાય સાથે સંબંધ
પીએમ મોદીનું દાઉદી બોહરા સમુદાય સાથે ખાસ જોડાણ છે. 2011 માં, મુખ્ય પ્રધાન તરીકે, તેમણે સમુદાયના ધાર્મિક વડા, સૈયદના બુરહાનુદ્દીનના 100મા જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. 2014માં જ્યારે ધાર્મિક વડાનું અવસાન થયું ત્યારે પણ મોદી તેમને અંતિમ વિદાય આપવા મુંબઈ ગયા હતા. તેઓ વડાપ્રધાન હતા ત્યારે પણ વર્ષ 2015માં સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને મળ્યા હતા.
PM મોદીની મુલાકાત પર ભારતીય રાજદૂતે શું કહ્યું?
કૈરોમાં ભારતના રાજદૂત અજીત ગુપ્તેએ શુક્રવારે કહ્યું કે ભારત અને ઇજિપ્ત બે સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે અને અમારા સંબંધો ચાર હજાર વર્ષથી વધુ જૂના છે. તેમણે કહ્યું કે અમારી પાસે સદીઓથી દરિયાઈ સંબંધ છે અને તાજેતરના વર્ષોમાં, ખાસ કરીને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી અને વડાપ્રધાન મોદી સત્તામાં આવ્યા પછી, સંબંધો વધુ મજબૂત બન્યા છે.