ચોમાસાએ જતાં જતાં કોર્પોરેશનની પોલ ઉઘાડી પાડી દીધી : ઉધના ઝોનમાં જળબંબાકાર જેવી સ્થિતિ
સુરત શહેર – જિલ્લામાં આજે સવારે ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થતાં ગણતરીનાં કલાકોમાં જ શહેરના ઉધના – લિંબાયત અને ગોડાદરા સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી. સવારે ચાર વાગ્યાથી શરૂ થયેલ અનારાધાર વરસાદને પગલે મોટા ભાગના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેને પગલે નોકરી – ધંધા માટે નીકળેલા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય શાળા – કોલેજ માટે જવા નીકળેલા વિદ્યાર્થીઓ પણ અડધે રસ્તેથી પરત ફર્યા હતા. સુરત શહેરમાં ઉધના ઝોનમાં તો જાણે આભ ફાટ્યું હોય તેમ ગણતરીનાં કલાકોમાં જ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય લિંબાયત ઝોનમાં પણ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે જિલ્લામાં ચોર્યાસી તાલુકામાં પણ સવારથી જ મેઘમહેર જોવા મળી હતી અને અંદાજે ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. જે દરમિયાન આજે સવારથી જ વિજળીના કડાકા ભડાકા વચ્ચે શહેરના અલગ – અલગ વિસ્તારોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ગણતરીનાં કલાકોમાં જ ભારે વરસાદને પગલે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાવવાની સમસ્યા સર્જાતા નાગરિકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ સ્માર્ટ સિટી સુરતમાં વધુ એક વખત મહાનગર પાલિકાની પ્રિ-મોન્શુન કામગીરીની પોલ ખુલ્લી પડી જવા પામી હતી. ઉધના અને લિંબાયત ઝોનમાં વરસાદને પગલે નાગરિકોને સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ઉધના ઝોનમાં ઠેર – ઠેર રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળતાં વાહન વ્યવહાર પણ થંભી ગયો હતો. પાંડેસરાથી સચિન સુધીના રસ્તા પર ત્રણ – ત્રણ ફુટ સુધી પાણી ભરાવવાની સમસ્યાને કારણે કલાકો સુધી ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સિવાય લિંબાયતમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા ખુદ ડેપ્યુટી મેયર પણ દોડતા નજરે પડ્યા હતા. આ સિવાય ગોડાદરામાં કાંગારૂ સર્કલથી મહારાણા પ્રતાપ ચોક સુધીના વિસ્તારમાં વધુ એક વખત વરસાદને પગલે ઘુંટણસમા પાણી ભરાઈ જવાને કારણે પીક અવર્સમાં ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
સુરત શહેર – જિલ્લામાં વિજળીના કડાકા – ભડાકા વચ્ચે આજે સવારથી ઉધના ઝોનમાં સૌથી પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય લિંબાયતમાં બે ઈંચ વરસાદ જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 13 મીમી, સેન્ટ્રલ ઝોનમાં 17 મીમી, વરાછા ઝોન – એમાં 33 મીમી, વરાછા ઝોન – બીમાં 35 મીમી અને અઠવા ઝોનમાં 11 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લામાં ચોર્યાસી તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે કામરેજમાં 14 મીમી અને બારડોલી તથા ઓલપાડમાં અનુક્રમે એક અને ત્રણ મીમી વરસાદ નોંધાયો છે.
ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી એક ફુટ ઓછી
સપ્ટેમ્બર મહિનાના પ્રારંભ સાથે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં સડસડાટ વધારો નોંધાયો છે. એક તબક્કે ઉકાઈ ડેમની સપાટીને લઈ શહેરીજનોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી. જો કે, છેલ્લા એક પખવાડિયામાં જ ભારે વરસાદને પગલે ડેમની સપાટી હવે રૂલ લેવલની નજીક પહોંચી ચુકી છે. ગઈકાલથી વધુ એક વખત ઉપરવાસમાં વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં હાલ 63 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાવા પામી છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 344.06 ફુટે પહોંચી ચુકી છે અને જેને પગલે સિંચાઈ વિભાગ દ્વારા ઇનફ્લો જેટલું જ 63 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી સતત છોડવામાં આવી રહેલા પાણીને કારણે તાપી નદી હાલ બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે અને કોઝવેની સપાટી પણ 7.44 મીટર પર પહોંચી છે.