ગુજરાતમાં ચોમાસુ સક્રિય : 132 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ
ગુજરાતમાં(Gujarat) સક્રિય ચોમાસાના બીજા દિવસે સોમવારે રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદ(Rain) પડ્યો હતો. જેમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સાડા ચાર ઈંચ પાણી પડી ગયું હતું. હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. તે જ સમયે, ઘણા બંદરો પરથી માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રના મોરબીમાં 83 મીમી, સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં 65, વલસાડના 64, અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 60 મીમી વરસાદ નોંધાયો છે.કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં 53, ખેડાના મહુધામાં 53, ગલતેશ્વરમાં 48, વસોમાં 47 મીમી વરસાદ નોંધાયો છે. આણંદ તાલુકામાં 48, સુરેન્દ્રનગરના લીમડીમાં 39, વલસાડના કપરાડામાં 34, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 32, આણંદ જિલ્લાના ઉમરેઠમાં 31, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 30, કચ્છ જિલ્લાના ગાંધીધામમાં 29, વલસાડમાં 29, પારડીમાં 29 વડોદરામાં 29, મોરબીના ટંકારામાં 28, રાજકોટના જેતપુર, પોરબંદરના કુતિયાણા અને જૂનાગઢના મેંદરડા તાલુકામાં 26 અને આણંદના બોરસદમાં 25 (એક ઇંચ) વરસાદ નોંધાયો છે. જ્યારે 106 તાલુકાઓમાં એક ઇંચથી પણ ઓછો વરસાદ થયો છે.
આ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી
રાજ્યમાં સક્રિય ચોમાસાના કારણે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી ચાર દિવસ સુધી વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. મંગળવારે વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, કચ્છ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ગુરુવાર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે.
પવન 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે
આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં વરસાદની સાથે કેટલાક ભાગોમાં 40 થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. જેના કારણે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને મૂળ દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણ બંદરો માટે આ ચેતવણી આપવામાં આવી છે.
તાપમાનમાં ઘટાડો
રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાં જ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં સોમવારે મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગાંધીનગરમાં 30.4, વડોદરામાં 29.4, સુરતમાં 29 અને રાજકોટમાં 31.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.