લકઝરી બસ સંચાલકોની મનમાની સામે કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ: મુખ્યમંત્રીને લખ્યો પત્ર
સુરત (Surat) વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી (Kumar Kanani) દ્વારા જાહેરનામાનો ભંગ કરતા લક્ઝરી બસ સંચાલકો સામે ટ્રાફિક ડીસીપીને લખેલા પત્ર બાદ ખાનગી બસ એસોસિયેશન દ્વારા શહેરમાં બસ નહીં પ્રવેશે તેવો નિર્ણય કર્યો છે ત્યારે બીજી તરફ કુમાર કાનાણીએ બસ એસોસિયેશનના આ નિર્ણયને સંચાલકોની દાદાગીરી ગણાવી છે. જોકે હવે આ મુદ્દે કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી કતારગામ વરાછા પુના વિસ્તારમાં સરકારી સ્લીપિંગ એસટી બસ ચાલુ કરવા રજૂઆત કરી છે.
કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે સુરત શહેરમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ થી લાખો લોકો ધંધાર્થે સુરત ખાતે આવેલ છે, અને તેઓની વતનમાં અવર-જવર થતી હોય છે, તેઓને વતનમાં જવા-આવવા માટે પ્રાઇવેટ લક્ઝરી બસોનો આધાર લેવો પડતો હોય છે, અને પ્રાઇવેટ લક્ઝરી બસ માલિકો દ્વારા ભાડામાં પોતાની મનમાની ચલાવી મન પડે તેવા ભાડા વસુલવામા આવે છે, તો લોકોની એવી માંગણી છે, કે પ્રાઇવેટ બસોના રૂટોનો સર્વે કરી તે જ રૂટ પ્રમાણે સરકારી સ્લીપિંગ બસો શરૂ કરવી જોઈએ, એવી મારી પણ માંગણી છે, તો તાત્કાલિક ધોરણે સરકારી સ્લીપીનીંગ બસો શરૂ કરવા મારી આપશ્રીને ભલામણ સહ વિનંતી છે.
ઉલ્લેખનીય છે કે કુમાર કાનાણીએ શહેરમાં પ્રવેશતી લક્ઝરીથી બસ થી થતી ટ્રાફિક સમસ્યા અને જાહેરનામાના ભંગ સામે ટ્રાફિક ડીસીપીને પત્ર લખી રજૂઆત કરી હતી. ત્યારબાદ લક્ઝરી બસ એસોસિએશન દ્વારા આ મામલે કુમાર કાનાણી નો વિરોધ કર્યો છે ને સાથે જ તેઓએ આજથી શહેરમાં બસ નહીં પ્રવેશે તેવો નિર્ણય લઇ તેનો અમલ શરૂ કર્યો છે . જેથી પહેલા જ દિવસે હજારો લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે મુસાફરોની સમસ્યા અને બસ સંચાલકોની દાદાગીરી સામે હવે કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી નવી એસટી સ્લીપર બસો શરૂ કરવા માંગ કરે છે