શિયાળામાં રખડતા શ્વાનોને હૂંફની સેવા આપતું સુરતનું જીવદયા ટ્રસ્ટ : શ્વાનો માટે કરી રહ્યા છે ગોદડીઓ બનાવવાનું કામ
ચોમાસુ(Monsoon) હોય કે શિયાળો(Winter) હોય પેટ(Pet) ડોગ એટલે કે પાળેલાં ડોગ માટે તેમનાં સાધનસંપન્ન માલિકો ઘરમાં જ સુવિધા કરતાં હોય છે પરંતુ રસ્તે રખડતાં શ્વાનોની હાલત કફોડી બની જતી હોય છે. ઉનાળાની અસહ્ય ગરમી અને આકરાં તાપની સિઝનમાં પશુ-પક્ષીઓ માટે પીવાનાં પાણીનાં કુંડાનું વિતરણ કર્યા બાદ શિયાળાની કાતિલ કડકડતી ઠંડીમાં રખડતાં શ્વાન જેવા અબોલજીવો માટે કંતાનમાંથી ગોદડીઓ બનાવીને સુરતનાં અબોલજીવ ચેરિટેબલ ટ્રસ્ટનાં સભ્યોએ માનવતાનું અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું છે એટલું જ નહીં રખડતાં શ્વાનોને ધ્રુણાની નજરે જોનારા નિષ્ઠુર અને અમાનવીય લોકોને અબોલજીવ ચેરિટેબલ ટ્રસ્ટે નવી રાહ ચીંધી છે.
કાપડની ચીંધી અને ફોમ મટીરિયલનાં વેસ્ટેજ એટલે કે નકામા કચરાનો બેસ્ટ ઉપયોગ કરીને કંતાનમાં ભરી 100થી વધારે ગોદડીઓ બનાવી છે. કંતાનમાંથી બનાવેલી ગોદડીઓ રાંદેર, અડાજણ સહિત શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં ડોગ ફીડર સભ્યો દ્વારા મૂકવામાં આવી છે. શણનાં કંતાનની ગોદડીઓ બનાવી હોવાથી શ્વાન અને તેમનાં માસુમ બચ્ચાઓને કડકડતી ઠંડીમાં ઘણી રાહત મળી રહે છે. મનસ્વી રાણા, મોનિકા બૈદ, જયમાલા માસ્તર, સંગીતા પરમાર, દીપિકા પવાર, ભરત રાણા, ભારતી રાણા અને અન્ય સભ્યોએ રાંદેર, રામનગરનાં રણછોડપાર્ક ખાતે કંતાનની ગોદડીઓ તૈયાર કરી હતી. કંતાનની ગોદડીઓ રખડતાં શ્વાન માટે બનાવી છે અને સોસાયટીઓ, એપાર્ટમેન્ટ કે બાગ-બગીચા પાસે મૂકવામાં આવે છે પરંતુ દુઃખ એ વાતનું છે કે, કચરો વીણનારા કે કોઈ રહિશો આ ગોદડીઓ ઉઠાવી જાય છે, લોકો માનવતા દર્શાવવાને બદલે અમાનવીય વલણ દાખવે છે તેમ ટ્રસ્ટનાં મંત્રી મનસ્વી રાણાએ જણાવ્યું હતું.