તહેવારો અને વાતાવરણના બદલાયેલા મિજાજ સાથે વધી શકે છે ઇન્ફ્લૂએન્ઝાના કેસો : તબીબોએ આપી આ ચેતવણી
ગરમીની (Summer) ઋતુના પ્રારંભ સાથે જ ઉત્તર ભારતના રાજ્યોમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સુરત સહિત રાજ્યમાં પણ આ પ્રકારના ફ્લૂના વધી રહેલા કેસોને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. બીજી તરફ આગામી ધુળેટીના તહેવાર અને વાતાવરણના બદલાયેલા મિજાજને કારણે આગામી દિવસોમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં ધરખમ વધારો જોવા મળી શકે છે. ઈન્ફ્લ્યુએન્ઝા વાઈરસનો સબ-ટાઈપ એચ3એન2 છેલ્લા બે ત્રણ મહિનામાં માથું ઉંચકતા મોટા ભાગના દર્દીઓમાં માથાના દુઃખાવાથી માંડીને ઉધરસ અને તાવ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.
હાલમાં જ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે શરદી – તાવ અને ઉબકા આવે ત્યારે આડેધડ એન્ટીબાયોટિક્સની દવા લેવાનું ટાળવું જોઈએ. ડોક્ટરોને પણ દર્દીઓમાં લક્ષણો જોયા પછી જ સારવાર આપવા અને એન્ટિબાયોટિક્સની દવા ન આપવા માટે ભાર મુકવામાં આવ્યો છે. આ અંગે વધુમાં જાણવા મળતી માહિતી અનુસાર હાલમાં ફેલાઈ રહેલા ઈન્ફ્લ્યુએન્ઝાના કેસોમાં દર્દીને બેથી ત્રણ દિવસ સુધી તાવ રહેતો હોય છે અને ત્યારબાદ એક પખવાડિયા સુધી ખાંસીની સમસ્યા જોવા મળે છે. આ સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી દર્દીએ બહાર જવાનું ટાળવાની સાથે સાથે માસ્ક પહેરવા અંગે પણ જણાવવામાં આવી રહ્યું છે.
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના વડા ડો. આશીષ નાયકે આ સંદર્ભે જણાવ્યું છે કે, હાલ તો સુરત શહેરમાં ઈન્ફ્લ્યુએન્ઝાના દર્દીઓની સંખ્યાને લઈને કોઈ ખાસ ચિંતાનું કારણ જોવા મળતું નથી. પરંતુ આગામી દિવસોમાં હોળી ધુળેટીના તહેવારોને પગલે બાળકો અને ખાસ કરીને વૃદ્ધોમાં આ રોગના સંક્રમણ ફેલાવવાની શક્યતા જોવા મળી શકે તેમ છે. ઈન્ફ્લુએન્ઝાના લક્ષણ અંગે તેઓએ જણાવ્યું હતું કે, આ ફ્લુના દર્દીને બેથી ત્રણ દિવસ સુધી સખ્ત તાવ આવે છે અને બે અઠવાડિયા સુધી સુકી ખાંસીની સમસ્યા પણ જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં દર્દીના શરીરમાં અસહ્ય દુઃખાવાની સાથે માથામાં દુઃખાવો, ગળામાં બળતરાના લક્ષણો પણ જોવા મળી રહ્યા છે.
ઈન્ફ્લ્યુએન્ઝા માટે નબળી ઈન્યુનિટી પણ જવાબદાર
છેલ્લા બે ત્રણ મહિનાથી વધી રહેલા ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં ખાસ કરીને જે નાગરિકોની ઈમ્યુનિટી સિસ્ટમ નબળી છે તેઓ વધુ પ્રમાણમાં સંક્રમણનો ભોગ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે. કોરોના મહામારીની ચપેટમાં આવેલા નાગરિકોમાં હજી પણ નબળી ઈમ્યુનિટી સિસ્ટમની સમસ્યા યથાવત છે ત્યારે હવે ઈન્ફ્લ્યુએન્ઝાના સંક્રમણની શક્યતા નકારી શકાય તેમ નથી. ખાસ કરીને જે લોકોને અસ્થમા કે ફેફસાંના ઈન્ફેકશનની સમસ્યા છે તેઓને સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે. આ સિવાય વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને બાળકોને પણ ખાસ તકેદારી રાખવી જોઈએ.
અસ્મથાના દર્દીઓએ ખાસ તકેદારી રાખવી
છેલ્લા દોઢ – બે મહિનાથી જે રીતે ઉત્તર ભારતના રાજ્યોમાં ઈન્ફ્લ્યુએન્ઝા કાળો કેર વર્તાવી રહ્યો છે તે જોતાં આગામી દિવસોમાં રાજ્યના નાગરિકોને પણ તકેદારી રાખવા અંગે નિર્દેશ પાઠવવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને અસ્થમાની સાથે – સાથે ફેફસાંના દર્દીઓને ખાસ તકેદારી રાખવા જણાવવામાં આવ્યું રહ્યું છે. આ પ્રકારના દર્દીઓ માટે શક્ય હોય ત્યાં સુધી ભીડભાડવાળા સ્થળે જવાનું ટાળવાની સાથે સાથે પ્રદુષિત વિસ્તારોથી પણ દુર રહેવું હિતાવહ છે.
માસ્ક પહેરવું સૌથી વધુ હિતાવહઃ ડો. સમીર ગામી
આગામી દિવસોમાં ધુળેટીના તહેવારોની ઉજવણી માટે શહેરીજનો થનગની રહ્યા છે ત્યારે ઈન્ફલ્યુએન્ઝાના સંક્રમણથી બચવા માટે જાણીતા તબીબ ડો. સમીર ગામીએ જણાવ્યું હતું કે, નાગરિકોએ શક્ય હોય ત્યાં સુધી માસ્ક પહેરી રાખવું જોઈએ. હાલમાં બદલાયેલા વાતાવરણને કારણે પણ ફ્લુ થવાની શક્યતા વધારે છે ત્યારે ઉધરસ – છીંક ખાતી વખતે નાક અને મોંને સારી રીતે ઢાંકવાની સાથે સાથે નિયમિત પણે હાથને સાબુથી ધોવાની પણ તેઓએ સલાહ આપી છે. શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે તેઓએ પાણીની ઉપરાંત ફળ અને જ્યુસ નિયમિત પીવા માટે અપીલ કરી છે.