વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી મેચમાં ભારતની જીત : 1-0થી મેળવી સરસાઈ
બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે વેસ્ટ ઈન્ડિઝ અને ભારત(India) વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી. આ લો સ્કોરિંગ મેચમાં ભારતે કેરેબિયન ટીમને પહેલા બોલથી અને પછી બેટથી 5 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે વન-ડે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશને આ મુશ્કેલ પીચમાં ભારત માટે શાનદાર બેટિંગ કરી અને અડધી સદી ફટકારી. ઈશાન કિશને 46 બોલમાં 52 રનની ઈનિંગ રમી હતી. તેની શાનદાર ઇનિંગ્સની મદદથી ભારતે 22.5 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને આ સરળ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કિશન ઉપરાંત સૂર્યકુમાર યાદવે 19, રવિન્દ્ર જાડેજાએ 16 અને રોહિત શર્માએ અણનમ 12 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ગુડાકેશ મોતીએ બે વિકેટ ઝડપી હતી.
અગાઉ, ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતી કેરેબિયન ટીમ 23 ઓવરમાં માત્ર 114 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો સ્પિન બોલર કુલદીપ યાદવની સ્પિન સામે ઝૂકી ગયા હતા. કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરીને 4 વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન શાઈ હોપે 45 બોલમાં 43 રનની ઈનિંગ રમી હતી.