ભારત ઓસ્કારમાં ખોટી ફિલ્મો મોકલી રહ્યું છે : એ.આર.રહેમાન
ભારતે 95માં ઓસ્કારમાં(Oscar) એક નહીં પરંતુ બે ઓસ્કાર જીત્યા હતા. આ સાથે જ દુનિયાભરમાં(World) ભારતીય ફિલ્મો અને ગીતોનો ડંકો પણ વાગવા લાગ્યો છે. ફિલ્મ RRR ના ગીત ‘નાતુ-નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર મળ્યો છે, જ્યારે ભારતની શોર્ટ ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ને બેસ્ટ ડોક્યુમેન્ટરીનો ઓસ્કાર મળ્યો છે. આ વર્ષે ભારતમાંથી ઘણી ફિલ્મો ઓસ્કાર માટે મોકલવામાં આવી હતી, જેને લઈને ગાયક એઆર રહેમાને કહ્યું છે કે ભારત ઓસ્કાર માટે ખોટી ફિલ્મો મોકલી રહ્યું છે.
ભારત ઓસ્કારમાં ખોટી ફિલ્મો મોકલી રહ્યું છે
ઓસ્કાર એવોર્ડ વિજેતા એઆર રહેમાને એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું છે કે ભારત ઓસ્કાર માટે યોગ્ય ફિલ્મો નથી મોકલી રહ્યું. જો તમે પશ્ચિમી દેશોનું ધ્યાન તમારી તરફ આકર્ષિત કરવા માંગો છો, તો તમારે તેમના દૃષ્ટિકોણથી જોવું પડશે. તેમણે કહ્યું કે આપણી ફિલ્મો ઓસ્કાર સુધી જાય છે, પરંતુ એવોર્ડ નથી મળતો. કારણ કે આપણે ઓસ્કાર માટે ખોટી ફિલ્મો મોકલીએ છીએ. એઆર રહેમાને વધુમાં કહ્યું કે મને લાગે છે કે આપણે બીજાના દૃષ્ટિકોણથી વિચારવું જોઈએ. આપણે ત્યાં શું થઈ રહ્યું છે તે જોવાની જરૂર છે અને પછી આપણા દેશમાં શું થઈ રહ્યું છે તે વિશે વિચારવાની જરૂર છે. કેવા પ્રકારની ફિલ્મો બની રહી છે, કેવું સંગીત બની રહ્યું છે.
તમને જણાવી દઈએ કે આ એક જૂનો ઈન્ટરવ્યુ છે જે જાન્યુઆરીમાં શૂટ કરવામાં આવ્યો હતો. જોકે હવે એઆર રહેમાને ભારતને બે ઓસ્કાર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એઆર રહેમાન અને ગુલઝારને તેમના ગીત ‘જય હો’ માટે વર્ષ 2009માં ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. જો કે, 2011 માં, રહેમાનનું નામ ડેની બોયલના 127 અવર્સ માટે બેસ્ટ ઓરિજિનલ સ્કોર અને બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે પણ નોમિનેટ થયું હતું.
આ વર્ષે, એઆર રહેમાને રાજકુમાર સંતોષીની ફિલ્મ ગાંધી ગોડસે – એક યુદ્ધ માટે સંગીત આપ્યું હતું. રહેમાન મણિરત્નમની તમિલ ફિલ્મ ‘પોનીયિન સેલવાન 2’, હિન્દી ફિલ્મો મેદાન અને પિપ્પા માટે પણ સંગીત આપશે.