Cricket: ભારત પાસે આજે ઈતિહાસ રચવાની તક છે, તે ઓસ્ટ્રેલિયાને હરાવીને સૌથી વધુ T20 મેચ જીતનારી ટીમ બની જશે
શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ભારતીય ટીમ મંગળવારે ગુવાહાટીમાં ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ત્રીજી ટી-20 મેચ જીતીને પાંચ મેચોની શ્રેણી પર કબજો કરવા પર નજર રાખશે. યજમાન ભારતીય ટીમ પાંચ મેચની T20 શ્રેણીમાં 2-0થી આગળ છે. સિરીઝ જીતવા માટે તેને વધુ એક જીતની જરૂર છે. ગુવાહાટીમાં ટીમ ઈન્ડિયા પાસે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક હશે. હાલમાં ટીમ 135 જીત સાથે સંયુક્ત રીતે ટોચ પર છે.
ભારતીય બેટ્સમેનોએ તેમના અત્યાર સુધીના શાનદાર પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે. ભારતીય બેટ્સમેનોએ પ્રથમ બે મેચમાં 36 ચોગ્ગા અને 24 છગ્ગા ફટકાર્યા છે. ઓસ્ટ્રેલિયાના કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ જેમ કે સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ અને એડમ ઝમ્પા 9 અઠવાડિયાથી વધુ સમયથી ભારતમાં છે અને હવે તેમના પર થાકની અસર દેખાઈ રહી છે. આગામી શ્રેણી પહેલા તેને આરામની જરૂર પડશે.
બરસાપરાની પીચ બેટિંગ માટે યોગ્ય છે:
સિરીઝની બે મેચમાં સારા પ્રદર્શન બાદ યુવા ખેલાડીઓની હાજરી ધરાવતી ભારતીય ટીમ બરસાપરા સ્ટેડિયમ પર પણ પ્રભુત્વ જમાવવા માંગશે. જ્યાં પિચ પરંપરાગત રીતે બેટિંગ માટે અનુકૂળ હોય છે.
બોલિંગમાં જોવા મળ્યો સુધારોઃ
ભારતીય બોલરોએ પ્રથમ મેચમાં 208 રનનો ખર્ચ કર્યા બાદ બીજી મેચમાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. બીજી મેચમાં ઝાકળ છતા ભારતીય બોલરો બાઉન્ડ્રીની સંખ્યા ઘટાડવામાં સફળ રહ્યા હતા. ભારતીય બોલરોએ પ્રથમ મેચમાં 45 બોલ અને બીજી મેચમાં 44 ખાલી બોલ ફેંક્યા હતા.
T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ મેચ જીતનાર ટીમ
ટીમ | મેચો રમ્યા | જીતી |
ભારત | 211 | 135 |
પાકિસ્તાન | 226 | 135 |
ન્યૂઝીલેન્ડ | 200 | 102 |
દક્ષિણ આફ્રિકા | 171 | 95 |
ઓસ્ટ્રેલિયા | 179 | 94 |