IND vs AUS: વાનખેડેમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 16 વર્ષ બાદ વન ડે જીતી

0

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI શ્રેણીની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. ટેસ્ટ સીરીઝ 2-1થી જીત્યા બાદ ભારતીય ટીમ વનડે સીરીઝ પણ જીતવા ઉતરી છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે આ લક્ષ્યાંક 39.5 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.

મુંબઈના વાનખેડે ખાતે રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 35.4 ઓવરમાં 188 રન પર સમેટાઈ ગઈ હતી. કાંગારૂઓ તરફથી મિચેલ માર્શે સૌથી વધુ 81 રનની ઇનિંગ રમી હતી.

જવાબમાં ભારતે 39.5 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કેએલ રાહુલે લયમાં પરત ફરીને સારી બેટિંગ કરતા 91 બોલમાં 75 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેના સિવાય રવિન્દ્ર જાડેજા પણ 45 રન બનાવીને અણનમ રહ્યો હતો.

લક્ષ્યનો પીછો કરતા એક તબક્કે ભારતે 39 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રાહુલે કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે 44 રનની ભાગીદારી કરી હતી. હાર્દિકના આઉટ થયા બાદ જાડેજા અને રાહુલે છઠ્ઠી વિકેટ માટે અણનમ 108 રનની ભાગીદારી કરી હતી.

આ જીત સાથે ભારતે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે આગામી વનડે રવિવારે વિશાખાપટ્ટનમમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને વાનખેડે સ્ટેડિયમમાં 16 વર્ષ બાદ વનડેમાં હરાવ્યું છે.

વાનખેડેમાં ઓસ્ટ્રેલિયા સામે લગભગ 16 વર્ષ બાદ જીત

આ મેદાન પર બંને વચ્ચે પાંચ વનડે રમાઈ છે. જેમાંથી ભારતે ત્રણ અને ઓસ્ટ્રેલિયાએ બે મેચ જીતી છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2007માં આ મેદાન પર ઓસ્ટ્રેલિયાને વનડેમાં હરાવ્યું હતું. આ પછી 2020માં ઓસ્ટ્રેલિયાએ ભારતને આ મેદાન પર હરાવ્યું હતું. હવે લગભગ 16 વર્ષ બાદ ભારત ફરી એકવાર ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ રહ્યું છે. રવિન્દ્ર જાડેજાને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *