સુરતમાં ડોકટરે 2655 કિલો સાબુમાંથી બનાવી ગણેશજીની અનોખી મૂર્તિ
દર વર્ષે ગણપતિ મહોત્સવ (Ganesh Mahotsav) દરમિયાન કંઈક અનોખું કરી યુવાનોને ધાર્મિક આસ્થા અને સર્જનાત્મક કાર્ય તરફ આકર્ષિત કરવાના હેતુથી આ વર્ષે ડૉ.અદિતિ મિત્તલે 2655 કિલો સાબુમાંથી ગણેશજીની અનોખી મૂર્તિ બનાવીને આર્ટ ગેલેરીમાં મુકી છે. ડુમસમાં આવેલ VR મોલ.માં તેને રાખવામાં આવી છે.
ડૉ. અદિતિ મિત્તલે અંદાજે 2655 કિલો સાબુનો ઉપયોગ કરીને અગિયાર ફૂટ લાંબી, અગિયાર ફૂટ પહોળી અને સાડા છ ફૂટ ઊંચી પ્રતિમા બનાવી હતી. ભારતના ચંદ્રયાન મિશનની થીમ પર તેમણે ભારતીય ત્રિરંગો, ચંદ્રયાન, વિશ્વ, રોકેટ વગેરે બનાવ્યા છે અને ચંદ્રની સપાટી પણ બતાવી છે. ડો. અદિતિ મિત્તલે જણાવ્યું કે, વિસર્જન બાદ સાબુ જરૂરિયાતમંદ લોકોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવશે.
ડો. અદિતિ મિત્તલ છેલ્લા છ વર્ષથી સતત તરબૂચ, ડ્રાયફ્રૂટ્સ, નારિયેળ, મકાઈ વગેરેમાંથી ઇકો-ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ બનાવે છે અને વિસર્જન પછી તેને પ્રસાદ તરીકે અલગ-અલગ જગ્યાએ વહેંચવામાં આવે છે. તેમના દ્વારા બનાવવામાં આવેલ ગણપતિ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નોંધાયેલ છે.